આગળ ખૂન થયુ હોવાનું કહી મહિલાને હિન્દી ભાષી ચાર શખ્સો રૂા.૧ લાખની કિંમતની સોનાની બંગડી નજર ચુકવી તફડાવી ગયા: સીસીટીવી ફુટેજમાં બે ગઠીયા કેદ

ગોંડલના પોશ વિસ્તાર કૈલાશ બાગ પાસેથી પસાર થતી મહિલાને આગળ ખૂન થયું છે કહી ચાર શખ્સો પૈકી બે શખ્સોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી એક લાખની કિંમતની સોનાની બંગડી સેરવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ચાર ગઠીયા પૈકી બાઇક પર ભાગેલા બે શખ્સોના સીસીટીવી ફુટેજ મળી આવતા શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના કૈલાશબાગ શેરી નંબર ૧માં રહેતા ફરિદાબેન અબ્દુલભાઇ ભારમલ નામની મહિલા પોતાના પાંચ વર્ષના પૌત્ર સાથે બજારમાં ખરીદી કરવા જઇ રહ્યા હતા ત્યારે તેમના મકાન નજીક જ ઉભેલા બે હિન્દી ભાષી શખ્સોએ ફરીદાબેનને અટકાવી આગળ ખૂન થયાનું કહ્યું હતુ તે દરમિયાન બાઇક પર અન્ય બે હિન્દી ભાષી શખ્સો ત્યાં આવીને ઉભા રહ્યા હતા અને આગળ ખૂન થયું છે તેમ સોનાના ઘરેણા પહેરીને ત્યાં જઇ રહ્યા છો કહી સોનાની બંગડી અને સોનાની વીટી પર્સમાં મુકી દેવાનું કહી સોનાના ઘરેણા ઉતરાવ્યા બાદ ફરીદાબેનની નજર ચુકવી બે ગઠીયા રૂા.૧ લાખની કિંમતની સોનાની બંગડી અને સોનાની વીટીં સેરવી લીધાની ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ.બી.એસ.ઝાલા સહિતના સ્ટાફે ફરીદાબેનની ફરિયાદ પરથી ચાર અજાણ્યા હિન્દી ભાષી શખ્સો સામે ઠગાઇનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.