ગાંધીનગર ખાતે મળનારી આ બેઠકમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ આપશે હાજરી
સૌરાષ્ટ્રના અતિ મહત્વના એવા બે પ્રોજેકટ હિરાસર એરપોર્ટ અને એઈમ્સનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આ બન્ને પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજાનાર છે જેમાં કલેકટર રેમ્યા મોહન પણ હાજરી આપવાના છે. રાજકોટની ભાગોળે આવેલા પરાપીપળીયા નજીક એઈમ્સ તેમજ હિરાસર નજીક ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થનાર છે.
આ માટે જમીન સોંપણીની મોટાભાગની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી નાખવામાં આવી છે. હાલ અમુક બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. આ બન્ને પ્રોજેકટ સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વના હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બન્ને પ્રોજેકટ પર ખાસ નજર રાખી રહ્યાં છે.
જે સંદર્ભે આગામી શનિવારના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં હિરાસર એરપોર્ટ અને એઈમ્સ બન્ને પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજાનાર છે.
આ સમીક્ષા બેઠકમાં રાજકોટથી જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં મુખ્યમંત્રી તમામ ઝીંણવટભરી માહિતી મેળવીને અધિકારીઓને જરૂરી સલાહ સુચન આપશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બન્ને પ્રોજેકટોમાં અંગત રસ દાખવતા ખુબ જલ્દી બન્ને પ્રોજેકટ સાકાર થનાર છે.આ પ્રોજેકટ સૌરાષ્ટ્ર માટે અત્યંત જરૂરી સાબિત થશે. ખુબ જરૂરી એવા આ પ્રોજેકટ પાછળ તંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું હોય પ્રોજેકટને હજુ પણ વેગ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવનાર છે.