પહેલીથી કેટલીય બેંકોએ નાણા ઉપાડ, ડિપોઝીટ માટેની ‘મર્યાદા’ બાંધી હતી
ગ્રેટર રાજકોટ ચેમ્બરની રજૂઆતના પગલે નાણા મંત્રાલયની સ્પષ્ટતા
બેંકો દ્વારા પહેલી નવેમ્બરથી નાણા ભરવા કે ઉપાડવા માટે ચાર્જ લેવાના નિર્ણય અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની નાણામંત્રીને થયેલી રજૂઆત સફળ થઈ છે. બેંકો હવેથી આવો ચાર્જ લઈ શકશે નહીં તેમ ચેમ્બરે જણાવ્યું છે.
પહેલી નવેમ્બરથી રાષ્ટ્રીયકૃત બેન્ક – બેન્ક ઓફ બરોડા તથા અન્ય ખાનગી બેન્કો દ્વારા કેટલાક સેવાકીય ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. જે અંગે જાગૃત સંસ્થા તરીકે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રના નાણામંત્રી તેમજ સેક્રેટરી ફાઇનાન્સીયલ સર્વિસીઝ તથા ગર્વનર રિર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયા સમક્ષ ઇ-મેઇલથી રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે આજે કેન્દ્રના નાણામંત્રી દ્વારા સ્પષ્ટતા કરતા એનાઉન્સમેન્ટ કરવામાં આવેલ છે કે, કોઇપણ બેન્ક આ પ્રકારનો ચાર્જ વધારી શકશે નહીં અને આ ચાર્જ વધારવા મંજુરી આપવામાં આવશે નહી. આ પ્રકારના ચાર્જ નહી લેવા અંગે તમામ બેન્કોને સુચના આપવામાં આવી છે. સરકારે કે રિર્ઝવ બેન્કે આવા ચાર્જ વધારા માટે કોઇપણ બેન્કને મંજુરી આપી નથી તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું.
ચેમ્બરે જણાવ્યું છે કે, વેપારી મિત્રો તથા સેવીંગ, કરન્ટ કે સીસી ખાતાધારકોને સ્પષ્ટતા કરી પૂર્વ જાણ કરી છે કે, કોઇપણ બેન્ક આવા ચાર્જ કોઇ ખાતામાંથી વસુલ કરે તો તેઓએ રિર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયાના બેન્કીંગ ઓપરેશન વિભાગને ફરિયાદના રૂપમાં જાણ કરે તેમજ આ જાણ અંગેની નકલ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને મોકલવામાં આવશે તો ચેમ્બર દ્વારા પણ આ ફરિયાદ અંગે સહકાર આપવામાં આવશે તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજુભાઇ દોશીએ જણાવ્યું છે.