સ્કૂલો ખોલવા અંગે બે દિવસમાં એસઓપી તૈયાર કરાશે: દિવાળી બાદ સૌપ્રથમ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ
સંસ્થા, ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને છેલ્લે પ્રાથમિક શાળાઓ તબક્કાવાર ખોલાશે
રાજ્યમાં દિવાળી પછી સ્કૂલ અને કોલેજો શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. આ તમામ લોકોની ચર્ચા-વિચારણા બાદ રાજ્યમાં દિવાળી બાદ કઈ રીતે સ્કૂલ-કોલેજો શરૂ કરવા તે અંગે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. જો કે, એક માસ અગાઉ જ શિક્ષણ મંત્રી દ્વારા બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજવા નક્કી કરાયું હતું અને હવે દિવાળી બાદ બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. જો કે એવા સંકેતો દેખાઈ રહ્યાં છે કે, દિવાળી બાદ સૌપ્રથમ કોલેજો-ઉચ્ચ શિક્ષણ સંસ્થા અને ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સંસ્થા અને છેલ્લે પ્રાથમિક શાળાઓ તબક્કાવાર ખોલાશે. જ્યારે ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે હાલ પુરતો ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક કાર્ય શરૂ કરતા પહેલા ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશન જેવી બાબતોનો સ્કૂલોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા, એક બેંચ પર કેટલા વિદ્યાર્થી બેસાડવા, સ્કૂલોની કેન્ટીન શરૂ રાખવી કે બંધ રાખવી, વિદ્યાર્થીઓને ફૂલટાઈમ બોલાવવા કે અમુક કલાકો માટે બોલાવવા, જે વિદ્યાર્થી સ્કૂલે નથી આવવા માંગતા તેના માટે શું વ્યવસ્થા કરવા તેમજ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા અને ૫૦ ટકાને જ બોલાવવા વગેરે બાબતો અંગે ગાઈડ લાઈન નક્કી કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
શાળા સંચાલકોનું આ મામલે કહેવું છે કે, બોર્ડના વિદ્યાર્થીઓને ફિઝીકલ એજ્યુકેશન મળવું જરૂરી છે. દિવાળી બાદ શાળા શરૂ કરવી બોર્ડ વિદ્યાર્થીઓ માટે આવશ્યક છે.
પ્રાથમિક તબક્કે ૯ થી ૧૨ માટે એસઓપી જાહેર થાય તેવી શકયતા છે અને એસઓપી જાહેર તયા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ બેઠક કરશે અને ત્યારબાદ શાળા ખોલવા મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે.
આ સાથે જ મંત્રી ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે, આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ મર્યાદિત સંખ્યા સાથે જ શાળાઓ ખોલવા છુટ મળશે અને
૫૦ ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને ફિઝીકલ શિક્ષણ આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.