ખાટલે મોટી ખોટ
હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી અનેક સંસ્થાઓના જવાબદાર સંચાલકોની અગ્નિશમન વ્યવસ્થા સામે આગ લાગે ત્યારે કુવો ખોદવા દોડાદોડી
શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીની મોટી મોટી વાતો વચ્ચે શેક્ષણિક સંકુલોમાં ફાયર સેફટીની વ્યવસ્થાની જાણવણી જાણે પ્રવર્તમાન ખાળે રૂચા અને દરવાજા મોકળા જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. ખાટલે મોટી ખોટ હોય તેમ રાજકોટ જિલ્લાની સરકારી અને ટ્રસ્ટેડ શાળાઓમાં જાણે સેફટીના સાધનોના ધજીયા ઉડતા હોય તેમ એન ઓ સી વિના જ ધમધમે છે. રાજકોટ સહિત રાજ્યભરની અનેક શાળાઓની આવી હાલત છે જેને કારણે મોટાભાગની શાળાઓ ફાયર સેફટી વિના જ ચાલી રહી છે અને મહત્વની વાત તો એ છે કે, ગ્રામ્ય વિસ્તારોની અનેક શાળાઓના સંચાલકોને તો ખબર જ નથી કે, ફાયર સેફટી ના સાધનો અને એન ઓ સી લેવું જોઈએ કે કેમ!!!!
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં કુલ ૫૭૨ કોલેજો આવેલી છે જેમાં માત્ર ખાનગી શાળાઓમાં જ ફાયર સેફટીના સાધનો છે જિલ્લાની સરકારી અને ટ્રસ્ટેડ શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે. રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ૧૬ હજાર શાળાઓ પૈકી ૧૨ હજાર શાળાઓ તો એવી જ છે કે જેમાં ફાયર સેફટીના સાધનો અને એન ઓ સીનો અભાવ જોવા મળે છે.
શ્રેય અગ્નિકાંડ પછી હાઇકોર્ટના કડક વલણના પગલે સરકાર આખા રાજ્યમાં ફાયર સેફટી માટે કમર કસી રહી છે તેમાં સ્કૂલોની ફાયર સેફટીનો મુદ્દો જાણે વિસરાઈ ગયો હોય તેમ સ્કૂલોમા સેફટીના સાધનો વિના જ સ્કૂલો ધમધમી રહી છે. એકબાજુ સ્કૂલો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની વાતો કરતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાની સરકારી, ટ્રસ્ટેડ અને ગ્રામ પંચાયતની શાળોમાં જ વિદ્યાર્થીઓ જોખમ સાથે ભણી રહ્યા છે. મોટી વાત તો એ છે કે, રાજકોટ જિલ્લાની કેટલી સ્કૂલો છે તે પણ સરકાર પાસે માહિતી નથી ત્યારે ફાયર સેફટીના સાધનો વસાવવા દુરની વાત છે.
રાજકોટ જિલ્લો મોટો હોવાથી વિગતો પ્રાપ્ત થઈ નથી: ડીઈઓ કૈલા
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ પાસે ફાયર સેફટીના સાધનો અને એન ઓ સી છે. જો કે સરકારી અને ટ્રસ્ટેડ શાળાઓ સાધનોનો અભાવ છે. જો કે રાજકોટ જિલ્લામાં કેટલી સ્કૂલો અને તેમાં ફાયર સેફટી કે એન ઓ સી છે કે કેમ તેની કોઈ માહિતી જ નથી. તેની સાથો સાથ ડીઈઓએ જણાવ્યું હતું કે, હાલમાં ચકાસણી ચાલી રહી છે અને આજે સાંજ સુધીમાં ગાંધીનગર તમામ ડેટા પહોંચાડી દેવામાં આવશે. રાજકોટ જિલ્લો મોટો હોય જેથી વિગતો લેવામાં વિલંભ થયો છે.
રાજકોટ ડીઈઓ કચેરી કાયમ વિવાદમાં
રાજકોટ બે માસ પૂર્વે જ નવા ડીઈઓ બી.એસ.કૈલાની નિમણુંક કરવામાં આવી છે. જો કે રાજકોટ ડીઇઓ કચેરી હંમેશા વિવાદમાં જ જોવા મળતી હોય છે. અગાઉ પણ ડીઈઓ કચેરીમાં અનેક વાદ વિવાદો સામે આવ્યા છે ત્યારે હવે. સ્કૂલોની અપૂરતી માહિતીને કારણે ડીઈઓ કચેરી પર ફરી એક વખત ડાઘ લાગ્યો છે અને રાજકોટ કરતા અમદાવાદ ,સુરત અને વડોદરાની તમામ સ્કૂલોની માહિતી સરકાર પાસે છે જ્યારે રાજ્યમાં રાજકોટની સ્કૂલોની જ અપૂરતી માહિતી હોય ડીઈઓ કચેરીની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
ફાયર સેફટીના સાધનો સાથે અન્ય સેફટી પણ જરૂરી
સ્કૂલોમાં માત્ર ફાયર સેફટીના સાધનો જ પૂરતા નથી પરંતુ અન્ય સલામતી જેમ કે, આગના સંજોગોમાં બિલ્ડિંગમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી છે? એ જ રીતે બિલ્ડિંગના ટેરેસ પર પણ પાણીની ટાંકી મૂકાઈ છે કે નહીં?, બિલ્ડિંગની અંદર, ઉપર તથા ભોંયરામાં ધુમાડો ભરાઈ ન રહે તે માટે નેચરલ અને મિકેનિકલ વેન્ટિલેશનની વ્યવસ્થા છે? આ ઉપરાંત ખુલ્લા વાયરો ના હોવા જોઈએ તેમજ આગની ઘટનામાં બિલ્ડિંગની અંદર, ઉપર તથા ભોંયરામાં ધુમાડો ભરાઈ ન રહે તે માટે નેચરલ અને મિકેનિકલ વેન્ટિલેશનની વ્યવસ્થા હોવી જરૂરી તેમજ રસોડું સ્કૂલથી થોડું અલગ હોવું જોઈએ..આ બધી જ બાબતો નો ક્યાંક ને ક્યાંક સ્કૂલોમાં અભાવ હોવાનું સામે આવ્યું છે.