જિલ્લા વિકાસ અધિકારી આકરા પાણીએ
વિકાસ કામોના બદલે અન્ય કામો કરનારા જોડીયા તાલુકાના લખતરના સરપંચ પણ સસ્પેન્ડ
અગાઉના સમયમાં રાજા રજવાડા હતા જે રાજ કરતા અને રાજયનું શાસન કરતા હતા. વહીવટ કરતા હતા પરંતુ દેશમાં હવે લોકશાહી સ્થાપાતા જે તે ગામનો વહીવટ, શાસન સરપંચ કરે છે. અગાઉ રાજા જ સવોપરી ગણાતા. પણ હવે સરપંચ પોતાને ગામના સર્વે સવા મન માની કે ભ્રષ્ટાચાર પણ આચરતા હોય છે. આવી જ રીતે જામ વંથલીના સરપંચ ‘જામ’ થવા જતા ‘જામ’ થઇ ગયા હતા.
જામનગર તાલુકાના જામવંથલીના સરપંચે પવનચક્કી બનાવતી કંપની પાસેથી ત્રણ લાખ પડાવતા જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દેતા જિલ્લાભરમાં ચકચાર જાગી છે. જામનગર જિલ્લાની બે ગ્રામ પંચાયતના સરપંચોને ઘરભેગા થવાનો વારો આવ્યો છે. એક ગામના સરપંચે સદસ્ય સાથે મળી ગામમાં પવનચક્કી કંપની પાસેથી ત્રણ લાખ ખંખેરી લીધા છે. જયારે અન્ય ગામના સરપંચે જે નાણા યોગ્ય રીતે યોગ્ય વિકાસ કામમાં વાપરવાને બદલે અન્ય કામમાં વાપરી નાખતા જિલ્લા વિકાસ અધિકારીએ બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. જામનગર તાલુકાના જામ વંથલી ગામના સરપંચ મીનાબેન અમૃતલાલ ટોરીયા સામે પવનચક્કી નિર્મિત કપની સુઝલોન પાસેથી નાણા ખંખેરી લીધાની ફરિયાદ આવી હતી. જે મુજબ સરપંચ મીનાબેન અમૃતલાલ ટોરીયા, ઉપસરપંચ જગદીશભાઈ ભીખાભાઈ ચોહાણ અને સભ્ય પરબત ભૂરા ટોરિયાએ કંપની પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ લીધી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત હકીકત સામે આવી હતી. આથી ડીડીઓ ગર્ગએ ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા હતા અને રૂપિયા ત્રણ લાખ દસ દિવસમાં પંચાયતમાં જમા કરવા હુક્મ કર્યો છે. જોડિયા તાલુકાના લખતર ગામના સરપંચે ૧૪માં નાણા પંચની ગ્રાન્ટ અલગ અલગ કામ માટે ફાળવવામાં આવી હતી. જે કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ જે વિકાસ કાર્યો માટે નાણા વપરાવવા જોઈએ તેની જગ્યાએ મંજુરી વગર અન્ય કામ કરી દેવામાં આવ્યુ હતું. જેથી પંચાયત ધારાનું ઉલ્લંઘન થતા ડીડીઓ વિપિન ગર્ગએ લખતરના સરપંચ ભરભાઈ ચનીયારાને પણ સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા વિકાસ અધિકારીના કડક વલણને લઈને અનેક ગ્રામ પંચાયતમાં ફફડાટ ફેલાઈ ગયો છે.