દિવાળી તહેવારમાં ફટાકડા ફોડવા અંગેના દિશા નિર્દેશ જાહેર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ
હોસ્પિટલ, ન્યાયાલય, ધાર્મિક સ્થળો વગેરે સામાન્ય ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ: ફટાકડાની લુમ ફોડવા ને તુકલ ઉડાડવા પર પણ પ્રતિબંધ
દિવાળીના તહેવારથી ઉજવણી લોકો શાંતિપૂર્ણ રીતે ઘ્વની પ્રદુષણથી બચીને કરી શકે એ માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહને એક જાહેરનામું બહાર પાડી ફટાકડા ફોડવા અંગે વિવિધ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો છે. સુપ્રીમના આદેશ મુજબ રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડા ફોડી નહીં શકાય તેમ જાહેરનામામાં જણાવાયું છે.
કલેકટર રેમ્યા મોહને જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક-હાતિકારક પર્યાવરણ તથા ઘ્વની પ્રદુષીત વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરાયા છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકાયા છે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રેકટે પી.બી.પંડયા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજાો અધિનિયમ) કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) હેઠળ મળેલ સત્તા હેઠળ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર સલામતી માટે અને જાહેર જનતા ને અગવડ ન પડે તે માટે કેટલાક નિયમો પાળવા જાહેરનામુ બહાર પાડયું છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તા-રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારુખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા- સળગાવવા નહી. આ જાહેરનામુ રાજકોટ પોલીસ કમિશ્નરે વિસ્તાર સિવાયમાં અમલી રહેશે જાહેરનામોનો અમલ તા. ૩-૧૧ થી ૧-૧ર કરવાનો રહેશે તેમ કલેકટરે રેમ્પા મોહને જણાવ્યું હતું.