સરપંચની ચૂંટણીના વિવાદના કારણે ૧૧ વર્ષ પહેલાં સરા જાહેર ત્રણ મહિલા સહિત આઠ શખ્સોએ ધાતક હથિયારથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું’તું
સ્પેશ્યલ પીપી નિરંજનભાઇ દફતરી અને મુળ ફરિયાદીના એડવોકેટ સુરેશભાઇ ફળદુની દલિલ ગ્રાહ્ય રહી
મોટા મવાના સરપંચ મયુર શિંગાળાના ચકચારી હત્યા કેસની સુનાવણી અદાલતમાં પુરી થતા ત્રણ મહિલા સહિત છને કોર્ટે તકસીરવાન ઠેરવ્યા છે. અને બે શખ્સોને નિર્દોષ ઠરાવી છુટકારો કર્યો છે. મોટા મવા ગ૩મ પંચાયતની ચૂંટણીના વિવાદના કારણે કાવતરૂ રચી નવ શખ્સોએ હ્ત્યાનો ૧૧ વર્ષ પહેલાં પોલીસમાં ગુનો નોંધાયો હતો. સુનાવણી દરમિયાન એક શખ્સનું મોત નીપજતા તેની સામેનો કેસ પડતો મુકવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ મોટામવા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં મયુર તળશી શિંગાળા સામે ગાંડુ ભુરા ભરવાડ હારી જતા જે અંગે બંને વચ્ચે ચાલતી અદાવતમાં ૧૧/૮/૦૯ના રોજ છરી, તલવાર, ધારીયું અને ગુપ્તી જેવા તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાની ફરિયાદ ભરત તળશીભાઈ શિંગાળાએ ગાંડુ ભુરા વકાતર, મહેશ ગાંડુ વકાતર, ઉતમ ગાંડુ વકાતર, વજીબેન ગાંડુ વકાતર, હંસાબેન ઉર્ફે હીના ગાંડુ વકાતર, લતા ઉર્ફે ટીની ગાંડુ વકાતર, વિનુ ઉર્ફે દેવજી પૂંજા મકવાણા અને જયેશ વિનુ ઉર્ફે દેવજી પુંજા મકવાણા સહિતના શખ્સોસામે તાલુકા પોલીસ મથકમાં હત્યા કાવત્રુ અને લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ તમામ શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં હત્યાના કાવત્રામાં રમેશ રાણા મકવાણાનું નામ ખૂલતા તેની ધરપકડ કરી તપાસપૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કર્યો હતો.
તપાસપૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. ૧૧ વર્ષ સુધી ત્રણ મહિલા સહિત છ શખ્સોને રેગ્યુલર જામીન પણ ન મળ્યા હતા જયારે મહેશ ગાંડુ ભરવાડ હાલ જામીન ઉપર મૂકત છે. જયારે રમેશ રાણા મકવાણા જામીન બાદ નાસતો ફરતો હોવાથી તેની વિરૂધ્ધ સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
ચકચારી મયુર શિંગાળા હત્યા કેસમાં સરકારે સૌરાષ્ટ્રના ખ્યાતનામ અને સિનિયર ધારાશાસ્ત્રી નિરંજનભાઈ દફતરીની નિમણુંક કરતા કેસનો કાનુની જંગ જામ્યો હતો.
અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં લાંબા કાનૂની જંગમાં સદરૂ બનાવને નજરે જોનાર ફરિયાદી સહિત પાંચ લોકોએ અદાલતમાં બનાવને સમર્થન આપ્યું છે. તેમજ કુલ ૭૦ સાહેદો હતા.
આરોપીઓ વિરૂધ્ધનું તહોમત શંકાથી પર પૂરવાર કરે છે. આરોપીઓએ દીનદહાડે, સરા જાહેર મયુરશિંગાળાનું ખૂન કરતા પહેલા પૂર્વયોજીત કાસત્રુ રચી ફિલ્મી સ્ટાઈલે ખૂન કરેલ હોય ત્યારે ગુન્હાની ગંરતા સમાજ પર થનાર અસર વિગેરે લક્ષે લેવા જોઈએ, સદર કામે પ્રોશીકયુસને કુલ ૩૧ સાહેદ તપાસેલા છે. જેમાં ફરિયાદી, તેમજ બનાવ નજરે જોનાર, પંચો, ડોકટરો, એફ.એસ.એલ. સર્કલ આર.ટી.ઓ, સેલ્યુલર કંપની, પોલીસો સહિતના સાહેદો તપાસવામાં આવેલ જેમાંથી માત્ર ત્રણ પંચ હોસ્ટાઈલ થયેલ હોય બાકીનાં ૨૮ સાહેદોએ પ્રોસીકયુસનના કેસને સમર્થન આપેલું હોય, સાહેદોની જુબાનીમાં કોઈ વિરોધાભાષ ન હોય એકબીજા સાહેદોએ બનાવની હકિકતોને તથા આપેલ પુરાવાને અરસ પરસ સમર્થન આપેલુ હોય ડોકટરી તેમજ એફ.એસ.એલ.નો પુરાવો પણ રેકર્ડ પરના પુરાવાને સ્પષ્ટ સમર્થન આપતો હોય ત્યારે સાહેદોની કવોન્ટીટી કરતા કવોલીટી ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદામાં પ્રસ્થાપીત કરેલ માર્ગદર્શન સિધ્ધાંતો ધ્યાને લઈ આરોપીઓને મહતમમા મહતમ ખૂન કેસ સજા કરવા રજૂઆત કરવામાં આવેલ.
એડીશનલ સેશન્સ કોર્ટમાં સુનાવણી પુરી થતા ન્યાયમૂતિ એચ.એમ.પવારે ગાંડુ ભુરા વકાતર, મહેશ ગાંડુ વકાતર, ઉત્તમ ગાડું વકાતર, વજુબેન ગાંડુ વકાતર, હંસાબેન ગાંડુ વકાતર અને લતા ઉર્ફે ટીની ગાંડુ વકાતર નામના શખ્સોને તકસીરવાન ઠેરવ્યા છે.
આ કેસમાં રમેશ રાણા અને જયેશ મકવાણાનો અદાલતે નિદોર્ષ છુટકારો કર્યો છે. રમેશ રાણા વતી બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ રૂપરાજસિંહ પરમારે બનાવ સમયે રમેશ રાણા કમાન્ડો રક્ષણ સાથે હતા તેમજ તપાસનીશ પોલીસ અધિકારી ગોસાઇને રમેશ રાણા પાસે રૂા.૫ લાખની લાંચ માગી હતી અને રૂા.૨ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. તે અંગેની દલિલ અદાલતે ધ્યાને લઇ નિદોર્ષ છુટકારો કર્યો છે.
સ્પેશ્યલ પીપી તરીકે નિરંજનભાઈ દફતરી, ભાવીન દફતરી, પથીક દફતરી, દિનેશ રાવલ, વિક્રાંત વ્યાસ, એસ.આર. જાડેજા અને મુકેશ કેસરીયા જયારે મુળ ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ, ચેતન ચોવટીયા, ભુવનેશ શાહી, કુનાલશાહી, રવી ઠુંમર, રીપન ગેવરીયા, પાર્થ સંઘાણી, મનથન વિરડીયા તેમજ રમેશ રાણા વતી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર અને ભરત સોમાણી, જયારે જયેશ વિનુ મકવાણા વતી દીપકભાઈ ત્રિવેદી અને નરેન્દ્રસિંહ જાડેજા એડવોકેટ રોકાયા હતા.
સિનિયર ધારાશાસ્ત્રી નિરંજનભાઇ દફતરીને મળી વધુ એક સફળતા
સૌરાષ્ટ્રભરના અનેક ચકચારી કેસમાં સરકાર પક્ષે અને બચાવ પક્ષે રોકાયેલા સિનિયર ધારાશાસ્ત્રી નિરંજનભાઇ દફતરીને મોટા મવા સરપંચ મયુર શિંગાળા હત્યા કેસમાં વધુ એક સફળતા મળી છે. નિરંજનભાઇ દફતરી ડો.મધુબેન શાહ હત્યા કેસ, મજુર અદાલતના એડવોકેટ હસુભાઇ દવેના પરિવારની ત્રણ વ્યક્તિની હત્યાના ગુનામાં સંડોવાયેલા શશીકાંત માળીને ફાંસીની સજા, દ્વારકા નજીકના આશ્રમના મહંત સ્વામી કેશવાનંદ સામે બળાત્કાર કેસ, પૂર્વ પોલીસ કમિશનર પી.કે.દત્તા, મોરબીના પ્રકાશ રવેશીયા હત્યા કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય કાંતી અમૃતિયા અને રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વિનું શિંગાળા હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજાના બચાવ પક્ષે, ખંભાળીયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને એ.કે.૪૭ રાઇફલ સાથે ઝડપાયેલા રામ નાથા ગઢવીના બચાવ પક્ષે રોકાયા હતા અને મહત્વની દલીલો સાથે સિનિયર ધારાશાસ્ત્રી નિરંજનભાઇ દફતરીને મહત્વની સફળતા મળી છે.