કોર્પોરેશનમાં ભળેલા ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરતા ઉદિત અગ્રવાલ
રાજકોટમાં નવા ભળેલા ગામો મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વરમાં પણ વિકાસ પ્રક્રિયા આગળ ધપાવવા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહયા છે ત્યારે આજે મ્યુનિ. કમિશન ઉદિત અગ્રવાલે મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓની સાથે ત્રણેય નાયબ મ્યુનિ. કમિશનર, સિટી એન્જી., રોશની શાખાન એડી. સિટી એન્જી., ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિ. કમિશનરે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે આ ગામોની મુલાકાત દરમ્યાન લોકોના પ્રશ્નો સાંભળ્યા અને તેમને તાત્કાલિક નિરાકરણ કરવા અધિકારીઓને સુચના આપી હતી તેમજ પીવાના પાણીના પ્રશ્નો, લાઈટીંગના પ્રશ્નો, સફાઈના પ્રશ્નોની સંપૂર્ણ સમીક્ષા કરી હતી અને સંબધિત અધિકારીને સુચના આપી તાત્કાલિક જરૂરિયાત પુરી કરવા સુચના આપી હતી. વિશેષમાં પાણી પુરવઠા અને સ્ટ્રીટલાઈટના કામોની ટેન્ડર પ્રક્રિયા અનુસંધાને મ્યુનિ. કમિશનરશરે સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરી હતી. ડ્રેનેજના કામનું આયોજન હાલ ચાલુ છે. સફાઈ તંત્ર પણ તેની જવાબદારી નિભાવી રહયું છે. આ ગામોની મુલાકાત દરમ્યાન કમિશનરે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરી લોકોના પ્રશ્નો ત્વરિત ઉકેલવા અધિકારીઓને સુચના આપી હતી.