વર્ષે કરોડની બચત કરવાની યોજના નિષ્ફળ?
લાઈટ શાખાના વહીવટના ઓડિટમાં ખુલી વિગતો
જામનગરમાં એલઈડી પ્રોજેકટથી મહાપાલિકાને વર્ષે કરોડથી વધુ ફાયદો થશે તેમ ગણી લાઈટનો કોન્ટ્રાકટ અપાયો પણ અનેક વિસ્તારોમાં હજુ પણ અંધારા છે અને આ પ્રોજેકટથી કોઈ ફાયદો થયો ન હોવાનું ઓડિટ રિપોર્ટમાં જાહેર થયું છે.
જામનગર મ્યુ. કોર્પોરેશનનો એલઇડી પ્રોજેક્ટ ફેલ ગયાનો ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે, ઓડિટરે અલગથી રિપોર્ટ કર્યો છે. ખાનગી રિપોર્ટમા અમુક સ્ફોટક વિગત હોવાનુ મનાય છે. અગાઉ કમિશનર હર્ષદ પટેલ અને સીટી એન્જીનિયરની જહેમતથી આ પ્રોજેક્ટને એવોર્ડ મળ્યો હતો પરંતુ બાદમા આ પ્રોજેક્ટના બે વર્ષથી જવાબદાર અધીકારીઓ બદલાયા પછી શું થયુ કે પ્રોજેક્ટથી ફાયદો થવાને બદલે નુકસાન થયુ છે તેવુ ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે. બીજી તરફ ડેપ્યુટી ઇજનેરે કંપની પાસેથી ૨૯ હજારથી વધુ લાઇટ ખરીદી લેવા પદાધિકારીને કેવી રીતે વિશ્ર્વાસમાં લઇ લીધા તે આશ્ર્ચર્ય છે. ડે.એન્જી. મહેતાએ એવુ સમજાવ્યુ કે કોર્પોરેશનને ફાયદો થશે માટે આ એજન્ડા લાવ્યા છીએ, પરંતુ ઓડીટ રિપોર્ટ પરથી તો એલઇડી મામલે ગંભીર ક્ષતી બહાર આવી છે. જો કે ઓડીટ રિપોર્ટ ના મેમા બાબતે તાત્કાલીક જવાબ સ્ટેન્ડીંગ ચેરમેને ઠરાવ કરી માંગ્યો જ છે. જેમા છેવટના રીપોર્ટનો પણ સમાવેશ થશે.
આ પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે વર્ષે કરોડમાં કોર્પોરેશનને ફાયદો થશે તેમ દર્શાવાયેલુ પરંતુ નગરમાં તો અંધારાના ઓળા છે અને અનેક રોડ, વિસ્તાર, લોકેશન અંધારાવાળા એમને એમ છે. ત્યા આ લાઇટો નખાઇ નથી અને બળુકાઓના તો ફળીયા શેરીઓમા બબ્બે લાઇટો નંખાઇ છે. આવી અનેક બાબતોને સમર્થન મળતુ હોય તેમ ઓડીટે પુછ્યુ છે કે ખરેખર આ પ્રોજેક્ટથી ફાયદો શુ થયો? એનર્જી કે લાઇટબીલમા બચત થઇ છે.? તો જવાબ રજુ કરો.
કોન્ટ્રાકટ કંપની પાસેથી રીકવરી કરો: ઓડિટમાં તાકીદ
એલઇડી પ્રોજેક્ટ કરાર શરતો મુજબ ન થયો હોઇ ઓડીટે લાઇટ શાખાને તાકીદ કરી ઇ સ્માર્ટ એનર્જી સોલ્યુશન પ્રા.લી. પાસેથી રિકવરી કરવા તાકીદ કરી છે. તેમજ ૨.૮૦ કરોડના બીલની સ્પષ્ટતા અને પુર્તતા અને વીજબીલની વિગત માંગી છે.