કોરોનાની મંદીની ઐસી-તૈસી, ધંધા-ઉદ્યોગની રફતાર વધી, જીએસટીની આવકમાં ગુજરાત સૌથી આગળ
દેશભરમાં પ્રવર્તી રહેલી કોરોના કટોકટી અને લાંબા સમય સુધી ચાલેલા લોકડાઉનના પગલે ધંધા રોજગારની બેહાલ સ્થિતિ અને અર્થતંત્રની ગાડી ધીમી પડી ગયાની માહોલ વચ્ચે પણ કોરોનાના મંદીની ઐસી તૈસી કરીને જીએસટીની આવકમાં ગુજરાતે અવ્વલ નંબર પ્રાપ્ત કરી ઓકટોબરમાં ૩૪ ટકા જેટલી આવક વધી છે.ગુજરાતમાં માંગ, ઉત્પાદન અને વેપાર-ઉદ્યોગમાં આવેલી તેજીના પગલે ગુજરાતમાં જીએસટીની આવક ઓકટોબર મહિનામાં ૩૪ ટકા જેટલી વધી છે. ૨૦૧૯ની સરખામણીમાં ગુજરાતમાં આ ઓકટોબર મહિનામાં ૨૭૩૩ કરોડ રૂપિયાની જીએસટીની આવક થવા પામી છે. ગયા વર્ષે ૨૦૩૭ કરોડથી ૬૯૬ કરોડ વધવા પામી છે. ઓકટોબર મહિનો ગુજરાત રાજ્યની મહેસુલી આવકમાં સૌથી વધુ કમાણીનો મહિનો બન્યો છે. ૨૦૨૦-૨૧માં રાજ્ય સરકારે સત્તાવાર રીતે કરની આવકમાં વૃદ્ધિ મેળવી છે. તહેવારોના સમયગાળામાં માંગ અને ઉત્પાદન વૃદ્ધિના પગલે આ લાભના લાડવા પ્રાપ્ત થયા છે.રાજ્યના કોમર્શીયલ ટેકસ કમિશનર જે.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, તહેવારોની સીઝનને લઈને બજારમાં માંગ અને વેપારમાં આવેલી વૃદ્ધિને લઈને રાજ્યમાં ઉત્પાદન પ્રવૃતિ અને આર્થિક તેજીના કારણે કરની આવક વધવા પામી છે. સાથે સાથે આ વખતે ચોમાસુ પાકમાં પણ સારી એવી પેદાશના કારણે રાજ્યમાં આર્થિક વૃદ્ધિનો સંચાર થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતની કર આવકમાં પણ વધારો થયો છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં ઓકટોબર ૨૦૨૦માં જીએસટીની આવક ૬૭૮૭ કરોડ થવા પામી છે. જે ગયા વર્ષે ૫૮૮૮ કરોડ હતા. ભારતના કુલ કરની આવકમાં ગુજરાતનો ત્રીજો નંબર રહેવા પામ્યો છે. આંધ્રપ્રદેશમાં ૨૪૮૦ કરોડ ૨૬ ટકાના વૃદ્ધિ, હરિયાણામાં ૫૪૩૩ કરોડ ૧૯ ટકાની વૃદ્ધિથી ગુજરાતની આવક ૬૭૮૭ કરોડ સૌથી વધુ રહેવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કરની આવક સમગ્ર દેશના ઔદ્યોગીક ઉત્પાદન રાજ્યો કરતા સૌથી વધુ ૮૯૯ કરોડ ઓકટોબર મહિનાની રહેલી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની કરની આવક ૬૦૯૦ કરોડ રહી હતી. જ્યારે સપ્ટેમ્બર મહિના સામે રાજ્યમાં ૬ ટકાની વૃદ્ધી રહેવા પામી હતી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ૧૧.૫ ટકા જેટલી માસીક વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.
કોરોનાની મંદીની ઐસી તૈસી કરીને ગુજરાતમાં શરૂ થયેલી ઔદ્યોગીક પ્રવૃતિ અને ખાસ કરીને તહેવારોની સીઝનમાં બજારમાં ઉભી થયેલી માંગ અને ખરીદીના માહોલે ગુજરાતને સૌથી વધુ જીએસટી આવક મેળવનાર રાજ્ય બનાવ્યું છે.