ગુજરાતના ઔદ્યોગીક અને આર્થિક વિકાસના વધુ વેગવાન બનાવવા માટે કાર્યરત અનેકવિધ પરીયોજનાઓ અને આયોજનોમાં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ સ્વાન એનર્જી દ્વારા જાફરાબાદના દરિયામાં દેશનું પ્રથમ ગેસ સાચવવાના અને તેના રિ-ગેસીફીકેશનનું યુનિટ શરૂ કરવામાં આવી રહ્યું છે.
ફલોટીંગ સ્ટોરેજ એન્ડ રિ-ગેસીફીકેશન યુનિટ એટલે કે, એફએસઆરયુનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
વસંત-૧ નામની આ પરિયોજનાનું નિર્માણ થઈ જતાં ભારત સરકારનું પોતાનું અને સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે નિર્માણ પામનાર ફલોટીંગ સ્ટોરેજમાં ૧૮૦૦૦૦ ક્યુબીક મીટર ગેસની સંગ્રહ શક્તિવાળુ મથક બની જશે. આ યુનિટમાં ગેસનું સંગ્રહ અને પ્રવાહી કુદરતી વાયુના પૂર્ણ વાયુમાં રૂપાંતર કરવાની વ્યવસ્થા ઉભી થશે. સ્વાન એનર્જી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મુકેલી દરખાસ્તમાં આવતા વર્ષે જ જાફરાબાદ બંદર નજીક આ એકમ ઉભુ કરવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે.
સ્વાન એનર્જી દ્વારા અગાઉ આ પ્રોજેકટ ૨૦૧૯માં પૂરું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ચક્રવાત વાયુ અને કોવિડ-૧૯ કટોકટીના પગલે બાંધકામમાં આવેલા વિલંબના કારણે હવે આ પરિયોજના ૨૦૨૧માં પૂરી થશે.
વસંત-૧ તરતા જહાજ જેવા આ એફએસઆરયુ એલએનજીના પરિવહનની સાથે સાથે પ્રવાહી ગેસને વાયુ ગેસમાં રૂપાંતરીત કરવા માટે ઉપયોગી થશે. જાફરાબાદ બંદરનું કામ પૂરું થઈ જાય ત્યાં સુધી વસંત-૧નું કામ પૂરું થઈ જશે. ત્યારબાદ વસંત-૧ આંતરરાષ્ટ્રીય ધોરણે ગેસ પરિવહન માટે કાર્યરત બની જશે. અત્યારે આવી સુવિધા મલેશીયામાં છે. હવે તે જાફરાબાદના દરિયામાં ઉપલબ્ધ છે. સ્વાન એનર્જી પ્રા.લી.ની સહયોગી કંપની દ્વારા એફએસઆરજી માટે ૨૦ વર્ષના કરાર કર્યા છે. આ એકમની માલીકી ટ્રમ્પ ઓફસોર પ્રા.લી.ની રહેશે. જેમાં ૫૧ અને ૪૯ની હિસ્સેદારીમાં ઈફકો સાથે કરાર કરવામાં આવ્યા છે. સ્વાન એનર્જીના નિખીલ મર્ચન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પરિયોજના અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આકાર લેશે અને તેમાં ૧ કરોડ ટન ગેસની ક્ષમતા ઉભી થશે. આ પરિયોજનામાં ૪૦૦૦ કરોડથી ૫૯૦૦ કરોડનો ખર્ચ થશે. સ્વાન એનર્જીમાં ૬૩ ટકા અને ૧૧ ટકાની ભાગીદારી સાથે મિત્સુઈ ઓસાકા જાપાન અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગુજરાત પેટ્રોનેટની હિસ્સેદારી રાખવામાં આવી છે. ટોલીંગ મોડેલ આધારે કાર્યરત આ પ્લાન્ટમાં ગેસીફીકેશનની પ્રવૃતિ યુઝ ઓર પે ના ધોરણે જીએસપીસી, બીપીસીએલ, આઈઓસીએલ અને ઓએનજીસીને આપવામાં આવશે. કુલ પ્રોજેકટના ૯૦ ટકાની હિસ્સેદારી પબ્લીક પાર્ટનરશીપના ધોરણે કરવામાં આવશે. જાફરાબાદ પાસે બનનારા આ ટર્મીનલથી ગુજરાતનું ગેસ ઉત્પાદન અને પરિવહન ક્ષેત્રે દેશમાં મહત્વ વધશે.