આતંકવાદને ભરી પીવા ફ્રાન્સ એકશન મોડમાં: મિરાજ ફાઈટર જેટથી એર સ્ટ્રાઈક
એક તરફ અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટી અને બીજી તરફ ઓસ્ટ્રીયાના વિયેનામાં થયેલા આતંકી હુમલામાં અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે બીજી તરફ ફ્રાન્સે આફ્રિકાના માલીમાં જઈ અલ કાયદાના ૫૦થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. આજે ફ્રાન્સની વાયુ સેના માલીમાં આતંકવાદીઓના ઠેકાણા ઉપર તૂટી પડી હતી. આ હવાઈ હુમલામાં મિરાજ ફાઈટર જેટ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
માલી નજીક બુર્કીન ફાસો અને નાઈઝરની સીમા પાસે આતંકવાદીઓના ઠેકાણાઓ નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. ફ્રાન્સની એરફોર્સે આક્રમક કાર્યવાહી કરી હતી. આ જોરદાર હવાઈ હુમલામાં આફ્રિકાના માલીમાં સક્રિય અલ કાયદાના આતંકવાદીઓ મોતને ભેટયા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. પ્રારંભીક તબક્કે ફ્રાન્સની વાયુ સેનાએ ડ્રોનના માધ્યમથી ૩૦થી વધુ મોટર સાયકલમાં જતા આતંકીઓને શોધી કાઢ્યા હતા. આ આતંકવાદીઓ માલી સહિતના ત્રણ દેશોની સરહદે સક્રિય હતા. ફ્રાન્સના ડ્રોનથી બચવા આતંકવાદીઓ વૃક્ષો નીચે છુપાઈ ગયા હતા. જો કે, આતંકવાદીની ભાળ મળી ગઈ હોવાથી ફ્રાન્સ વાયુસેનાના બે મિરાજ જેટ રવાના થયા હતા અને આતંકવાદીઓ ઉપર મિસાઈલો છોડી હતી. આ ઘટના બાદ હુમલાના સ્થળે તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી ૩૦થી વધુ મોટર સાયકલ મળી આવ્યા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં શસ્ત્રો અને સ્યુસાઈડ જેકેટ પણ કબજે કરવામાં આવ્યા હતા. ફ્રાન્સ દ્વારા આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે થયેલી કાર્યવાહીથી આતંકીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ ફ્રાન્સમાં થયેલા હુમલાઓમાં અનેક નાગરિકોના મોત નિપજયા હતા.
નોંધનીય છે કે, માલી અને આસપાસના ત્રણ આફ્રિકન દેશમાં અલ કાયદા વધુ સક્રિય છે. ગઈકાલે જ્યારે ફ્રાન્સની સેનાએ હુમલો કર્યો ત્યારે આતંકીઓ મોટર સાયકલ પર સવાર થઈ સમૂહ સેના ઉપર હુમલો કરવા જઈ રહ્યાં હતા. આવા સમયે જ ફ્રાન્સની એરફોર્સ તૂટી પડી હતી. થોડા સમયથી ઈસ્લામીક સ્ટેટના આતંકવાદીઓ સામે પણ સહારાના કેટલાક વિસ્તારોમાં ગોળીબાર ચાલી રહ્યો છે. આ કાર્યવાહીમાં ૩૦૦૦થી વધુ સૈનિકો સામેલ છે ત્યારે હવે માલીમાં ફ્રાન્સના હવાઈ હુમલાથી ૫૦થી વધુ આતંકીઓના મોતની જાણકારી મળી છે. આ ઉપરાંત ૪ આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.