અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટીમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં 25 જેટલા લોકોનાં મોત થયાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. સમગ્ર પરિસર સુરક્ષાદળો દ્વારા ઘેરાયેલું છે.
કાબુલ યુનિવર્સિટી નજીક આ ગોળીબાર ત્યારે થયો જ્યારે અફઘાન અને ઇરાની અધિકારીઓ યુનિવર્સિટીમાં પુસ્તક પ્રદર્શનનું ઉદઘાટન કરી રહ્યા હતા. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાતારિક એરિયન પુષ્ટિ આપી હતી કે બંદૂકધારીઓ આજે બપોરે કાબુલ યુનિવર્સિટીના કેમ્પસમાં ઘુસી આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો.
કલાકો સુધી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલ્યો હતો. આતંકવાદીઓએ એક વર્ગખંડમાં જઈ બેફામ ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધીમાં 25 લોકોના મોત નિપજી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ યુનિવર્સિટી ગેટ પર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 2016માં આતંકવાદીઓએ અમેરિકન યુનિવર્સિટી પર હુમલો કર્યો હતો અને 13 લોકોની હત્યા કરી હતી. ગયા મહિને ઇસ્લામિક સ્ટેટે રાજધાની શિયા વસ્તી ધરાવતા દષ્ટ-એ-બર્ચીમાં શૈક્ષણિક કેન્દ્રમાં આત્મઘાતી બોમ્બર મોકલ્યો હતો, જેમાં 24 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા.