ગુજસીટોક હેઠળ ૧૧ આરોપીની કરાઈ હતી ધરપકડ
ગેંગસ્ટર જયેશ પટેલના સામ્રાજ્યને ખતમ કરવા પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ૧૪ સામે ગુનો નોંધી પોલીસ દ્વારા ભીંસ વધારવામાં આવ્યા બાદ જયેશ પટેલના કાનૂની સલાહકાર અને તેની સાથે ચાર જેટલા ગુનામાં સંડોવાયેલા એડવોકેટની પોલીસે ધરપકડ કરી ૧૨ દિવસના રીમાન્ડ માટે ગુજસીકોટની સ્પેશિયલ રાજકોટ ખાતેની અદાલતમાં રજુ કરવામાં આવ્યા છે.
જામનગરમાં જયેશ પટેલના ગુન્હાહિત સામ્રાજ્યને રફેદફે કરવામાં માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં જયેશ પટેલ સાથે સીધી રીતે સંકળાયેલ છ સાગરીતોને જેલ હવાલે કર્યા છે. જયારે જયેશ પટેલ અને તેના અન્ય ૧૩ વ્હાઈટ કોલરસ સામે ગુજ્સીટોક કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં બિલ્ડર નીલેશ ટોલીયા, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, ભાજપના નગરસેવક અતુલ ભંડેરી, બિલ્ડર મુકેશ અભંગી, જયેશ પટેલના અખબાર સાથે સંકળાયેલ પ્રવીણ ચોવટિયા, અનીલ પરમાર, જીગર ઉર્ફે જીમ્મી આડતિયા, બિલ્ડર પ્રફુલ પોપટ, જામનગરમાં જ જયેશ પટેલનો કાળો કાળોબાર સંભાળતા યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા બંધુઓ, રમેશ અભંગી, સુનીલ ચાંગાણી, વકીલ વસંત માનસતા અને જયેશ પટેલ સહિતનાઓ આરોપી તરીકે દર્શાવાયા હતા. પોલીસે જેતે સમયે ઉપરોક્ત પ્રથમ હરોળના આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ જાડેજા બંધુઓને પણ રિમાન્ડ પર લીધા છે. પોલીસે વધુ એક આરોપી એવા વકીલ વસંત માનસાતાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા વકિલ માનસતાના ૧૨ દિવસના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજુ કરવામાં આવેલા સોગંદનામું અને સરકારી વકિલ કમલેશ ડોડીયાએ કરેલી દલીલમાં જયેશ પટેલે કાયદાકીય સલાહ મેળવવા તથા જમીન સહિતના સિવિલ તથા ફોજદારી કેસો ચલાવવા તેમજ ન્યુઝ પેપરમાં જમીન વાંધા અંગેની તદન બનાવટી પ્રકારની નોટીસો પ્રસિદ્ધ કરવા, બેંક ખાતાની વિગતો, મોબાઈલના કોલ ડિટેઈલ અને રોકાણ સહિતની વિગતો મેળવવા માટે દલીલ કરવામાં જયારે બચાવપક્ષે એડવોકેટ કમલેશ શાહ દ્વારા વિવિધ મુદ્દે તર્કબઘ્ધ રજુઆત કરી હતી. બંને પક્ષોની રિમાન્ડ અરજીની સુનાવણી સ્પેશિયલ સૌરાષ્ટ્રની ગુજસીટોક અદાલતમાં પૂર્ણ થઈ છે.