અપૂરતી સુવિધાને લીધે ગ્રાહકોને હાલાકી
શહેરની બેંકોમાં દિવાળીની ખરીદીને લઇને લાંબી કતારો લાગી છે. રોકડ ઉપાડવા માટે ગ્રાહકોને હાલાકી વેઢવી પડે છે.
દિવાળીના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરીજનોએ કોરોના સંક્રમણને ભૂલીને તહેવારને વધાવવાની પૂર જોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રોકડ નાણાના ઉપાડ માટે આજે ગ્રાહકોની બેંકોમાં લાંબી કતારો જોવા મળી હતી.
ખાસ કરીને સરકારી બેન્કોમાં લોકોની ભીડ વધારે જોવા મળી હતી. એક તરફ કોરોના સંક્રમણનો ભય અને બીજી બાજુ દિવાળી તહેવારના ઉત્સાહની વચ્ચે પણ રંગીલા રાજકોટના પ્રજાજનોએ તહેવારોને મોજ માણવાનું નકકી કર્યુ હોય તેમ રોકડ નાણા ઉપાડવા માટે તત્પરતા દાખવીને સવારથી બેંક તરફ ધરી ગયા હતા. પરંતુ સરકારી બેંકોમાં અપૂરતી વ્યવસ્થાને કારણે લોકોને હાલાકી વેઢવી પડી હતી. ગ્રાહકોને બેંકની બહાર કલાકો સુધી ઉભા રહેવુ પડ્યુ હતુ. તહેવારોના સમયમાં ખાસ કરીને દિવાળીના પર્વમાં રોકડ નાણાની ખાસ જરૂર હોય છે. અને જો આવા સમયે પણ ગ્રાહકોની સુવિધા ન સચવાય અને ખુદના નાણાની લેવડ દેવડ માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય તે બરાબર ન કહેવાય, તેથી ગ્રાહકોની સુવિધા માટે ખાસ કરીને તહેવારના સમયમાં આ અંગેનું પૂરતુ ધ્યાન આપવામાં આવે તેવી બેંકના ગ્રાહકોની માંગ છે.
બેંકોમાં ઘસારો કેમ થયો?
આજે બેંકોમાં ઘસારો થવાના ઘણા કારણો છે. જેમાના કેટલાક કારણો જોઇએ
– બેંકોમાં તા.૩૦,૩૧ ઓકટોબર અને ૧ નવેમ્બરના રોજ સળંગ ૩ દિવસની રજા હોવાથી કામકાજ વધ્યુ છે.
– તા.૩૧ અને ૧ના રોજ સરકારી કચેરીઓ જેમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓના પગાર જમા હોય છે.
– તા.૩૧ અને ૧ના રોજ પેન્શનરોના સરકારી બેંકોમાં ખાસ કરીને એસબીઆઇમાં પેન્શન જમા થતા હોવાથી પેન્શનરોનો ઘસારો થયો છે.
– દિવાળી, નવાવર્ષ અગાઉ હવે એક જ અઠવાડીયુ હોવાથી બજારમાં ખરીદી માટે લોકોને રોકડની જરૂરીયાત હોવાથી નાણા ઉપાડવા ભીડ થઇ.
– ખાનગી કંપની કે સંસ્થાઓને કર્મચારીઓના પગાર ઉ૫રાંત બોનશ પણ ચુકવવાના હોવાથી આવી કંપની, સંસ્થાઓને નાણાની જરૂરીયાત વધી છે.