વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર ૫ ટ્રીલીયન અમેરિકન ડોલર સુધી લઈ જવાની સરકારની મહત્વકાંક્ષાને જેમ બને તેમ વહેલી ચરિતાર્થ કરવા માટે અનેકવિધ દિશાઓમાં કામ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે અર્થતંત્ર માટે વિકાસની પાયાની ધરોહર એવા ઉર્જાની જરૂરીયાત માટે હવે આધુનિક ટેકનોલોજી અને ખાસ કરીને પુન: પ્રાપ્ય ઉર્જા પર માત્ર ધ્યાન કેન્દ્રીત કરવા પુરતી જ નહીં પરંતુ તેના પર અમલીકરણ અને તેના પરિણામો મેળવવાની આવશ્યકતા ઉભી થઈ છે. સમગ્ર વિશ્ર્વમાં અત્યારે સામાજીક-આર્થિક અને રાજદ્વારીક રીતે ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો સૌ માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે પેરીસમાં ગ્લોબલ વાઈબ્રન્ટ સમીટ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્ર્વ માટે પર્યાવરણના આ પડકારને પહોંચી વળવા માટે ગ્લોબલ વોર્મિંગનું સ્તર ઘટાડવાની ભલામણ કરી વૈકલ્પીક ઉર્જા સ્ત્રોત અપનાવાની હિમાયત કરી હતી. ભારતનું આ સુચન સમગ્ર વિશ્ર્વને ગળે ઉતર્યું હતું. દરેક દેશે પોતાના પર્યાવરણમાં ૧ થી ૩ ડિગ્રી તાપમાન ઘટાડવાનો પડકાર ઉપાડીને ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ઉકેલવાની હામી ભરી હતી.
ભારત જેવા વિકસીત દેશ અને વિશાળ વસ્તી અને તેની જરૂરીયાતોને લઈને સ્વાભાવિક છે કે, ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ થાય ત્યારે અર્થતંત્ર માટે અને પર્યાવરણ માટે બેવડા ધોરણે લાભકારી હોય તેવા વિકલ્પમાં વિદ્યુત ઉર્જાના ઉત્પાદનના કુદરતી વિકલ્પો પર ભાર મુકવાની જરૂર છે. ઉર્જાના ઉત્પાદન માટે અત્યારે હાઈડ્રોકાર્બન, ટર્બાઈન અને અણુ શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી વીજળી ઉત્પન્ન કરવાની સાથે સાથે વાતાવરણમાં ગરમીનો સંચાર થાય છે. તેવા સંજોગોમાં ભારત માટે વૈકલ્પીક ઉર્જા સ્ત્રોતો જેવા કે સૌર શક્તિ, જળ શક્તિ અને વાયુ શક્તિમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનો વિકલ્પ સૌથી આદર્શ બની રહે તેમ છે. વળી આધુનિક વિશ્ર્વમાં હાઈડ્રોકાર્બનને ઉર્જાનો સ્ત્રોત બનાવીને તેમાંથી હાઈડ્રોજન અને પ્રાણવાયુ અલગ કરી ઉર્જા મેળવવાનો રસ્તો આર્થિક ધોરણે ખુબજ ફાયદારૂપ થાય તેમ છે. ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે ઉર્જાના મુળભૂત સ્ત્રોતોના બદલે વૈકલ્પીક ઉર્જાના સ્ત્રોતો ઉભા કરવા આશિર્વાદરૂપ બની રહેશે.