‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ થકી લાખો લોકોએ પાંચ દિવસની સમૂહ ચર્ચા રસપૂર્વક માણી
ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનના અંતિમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ છલકાયો: પોલીસ શહીદ દિવસની ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમાં યુવાનોએ મન મુકીને અભિપ્રાયો આપ્યા
શહેર પોલીસ દ્વારા લોકજાગૃતિ માટે દર વર્ષે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. તાજેતરમાં પોલીસ શહિદ દિવસની ઉજવણી નીમીતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ શહેરની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાના તેજસ્વી બાળકો માટે ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન ૨૦૨૦ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આજે અંતિમ દિવસે યુવાનો, ડ્રગ્સ અને હિંસા તેના સંભવિત ઉપાયો અંગે કોલેજના છાત્રોએ મન મુકીને ચર્ચા કરી હતી.
છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં ડ્રગ્સ સહિતના કેફી પદાર્થોનું સેવન વધી રહ્યું હોવાનું સામે આવે છે. આવા દુષણથી બચવા માટે અનેક સંસ્થાઓ અભિયાન ચલાવી રહી છે. પોલીસ પણ વ્યસનોથી યુવાનોને દૂર રાખવા માર્ગદર્શન આપે છે. આવી સ્થિતિમાં રાજકોટ પોલીસે ખાસ યુવાનો માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નાની વયથી જ ખોટા રસ્તે ચડી જતા બાળકોને અટકાવવા માટે જનજાગૃતિ ખુબ આવશ્યક છે. કાર્યક્રમમાં રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ જીનીયસ સ્કૂલમાં યોજાયો હતો.
પ્રથમ દિવસે સોશિયલ મીડિયા અને આજના યુવાનો, દ્વિતીય દિવસે ટ્રાફિક સમસ્યા અને સંભવિત ઉકેલો, ત્રીજા દિવસે મહિલાઓની પ્રગતિ અને સુરક્ષા, ચોથા દિવસે સાયબર ક્રાઈમ, હાલની સમસ્યાઓ અને ઉકેલો અને આજે યુવાનો, ડ્રગ્સ અને હિંસા તથા સંભવિત ઉપાયો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું પ્રસારણ ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ના વિવિધ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું હતું. જેનો લાભ લાખો લોકોએ લીધો હતો. ‘અબતક’ ચેનલના માધ્યમથી દેશ-વિદેશમાં પથરાયેલા ગુજરાતીઓએ કાર્યક્રમ માણ્યો હતો. આ ગ્રુપ ડિસ્કશનમાં આજે ડ્રગ્સના વિષયે કોલેજના છાત્રોએ પોતાના અભિપ્રાયો પણ આપ્યા હતા. ડ્રગ્સના દુષણને કેવી રીતે નાથવું, ડ્રગ્સથી કેવી દૂર રહી શકાય તે સહિતની બાબતોની ચર્ચા આ કાર્યક્રમ દરમિયાન થઈ હતી.