વેક્સિનેશન માટે દિલ્હી દૂર
છેક માર્ચના અંતમાં સ્પુટનિકનું પરીક્ષણ શરૂ થવાના એંધાણના પગલે કોરોનાની રસી માટેની આશા ધૂંધળી
કોરોના મહામારીને રોકવા અસરકારક રસી શોધવાની સ્પર્ધા સમગ્ર વિશ્ર્વના દેશોમાં થઈ રહી છે. રશિયા દ્વારા કોરોનામાં ફાયદાકારક રસી સ્પુટનિકને બનાવવામાં આવી હતી. પરંતુ સ્પુટનીકની આડઅસર વિશે હજુ પણ સંશોધકો શંકા વ્યકત કરી રહ્યાં છે. સામાન્ય રીતે કોઈ રોગની રસી વિકસાવવા માટે ૩ વર્ષ જેટલો સમયગાળો રીસર્ચ-પરીક્ષણો પાછળ લાગતો હોય છે. હજુ કોરોના વાયરસની મહામારી ફેલાઈ હોવાને એક વર્ષ વિત્યુ નથી. જેથી ટૂંકા સમયમાં રસી આવે અને તે અસરકારક નિકળે તેના પર શંકા-કુશંકાઓ થઈ રહી છે.
કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં વાયરસે સ્થળ-આબોહવા મુજબ પોતાનો પ્રભાવ બદલ્યો છે. લક્ષણો પણ સમયાંતરે બદલાતા રહ્યાં છે. આવા સંજોગોમાં ટૂંકાગાળામાં ઉતાવળે બનાવેલી રસી જો પ્રારંભીક તબક્કે પરિક્ષણમાંથી પસાર થઈ જાય તો પણ જે વ્યક્તિને રસી લગાવાઈ છે તે વ્યક્તિને પણ લાંબા સમય બાદ રીએકશન થાય તેવી દહેશત છે.
અલબત અત્યારે તો ભારતમાં સ્પુટનિક રસી બનાવવા માટે કવાયત કરી રહેલી ડો.રેડ્ડી લેબોરેટરી દ્વારા રસીને લોકો વચ્ચે લાવવા માટેની ટાઈમ લાઈન ઘડી કાઢવામાં આવી છે. રશિયાની આ રસીનું ભારતના લોકો ઉપર પરિક્ષણ થશે. આવા સંજોગોમાં ભારતમાં માર્ચ ૨૦૨૧ પહેલા પરિક્ષણો શરૂ થાય તેવી કોઈ શકયતા નથી. અત્યારે સ્પુટનિક રસી સામે ઉઠેલા સવાલો પણ ભવિષ્યની ગંભીર સ્થિતિ તરફ અંગુલી નિર્દેશ કરે છે. કોરોના મહામારીમાં વારંવાર બદલાતા લક્ષણો અને અસરનો તાગ મેળવવામાં હજુ સંશોધકો જ ગોટે ચડ્યા છે ત્યારે તેની દવા કઈ રીતે બજારમાં એકદમ સુરક્ષીત રહેશે?
વર્તમાન સમયે કોરોના મહામારીમાં રીકવરી રેટ ૯૦ ટકાથી વધી ગયો છે. અત્યારે વધુ સંક્રમણ ફેલાય નહીં તે માટે પ્રયાસો થઈ રહ્યાં છે. આવા સંજોગોમાં કોરોના મહામારી દેશમાંથી ચાલી જશે પરંતુ રસીનો અસરકારક ઉપયોગ થઈ શકશે નહીં તે પણ શક્ય છે. કોરોના મહામારીને દેશવટો આપવો જરૂરી છે. મહામારીમાં રસી વધુ અસરકારક નિવડે છે પરંતુ મોડે-મોડેથી આવતી રસી અંગે સવાલો ઉઠી રહ્યાં છે.
ન હોય… વધુ ચોખલાપણું કોરોનાને નોતરે છે !!!
જે દેશોમાં ચોખ્ખાઈ વધુ છે તેવા દેશોમાં કોરોનાથી મૃત્યુદરનું પ્રમાણ ટોચના સ્તરે છે. બીજી તરફ જે દેશોમાં ચોખ્ખાઈનું પ્રમાણ નીચુ છે તેવા દેશોમાં મૃત્યુદર એકદમ નીચો હોવાનો ચોંકાવનારો અભ્યાસ તાજેતરમાં સંશોધકોએ કર્યો હતો. જેના પરથી ફલીત થાય કે, વધુ ચોખ્ખાઈ રાખતા લોકોમાં વાયરસ સામે લડવાની ક્ષમતા ઝડપથી વિકસતી નથી. માત્ર કોરોના જ નહીં અસ્થમાં, ચામડીના રોગ, સંધીવા સહિતના રોગમાં પણ વધુ ચોખ્ખાઈ ધરાવતા દેશોના લોકો ઝડપથી સપડાઈ જતા હોવાનું સામે આવ્યું છે. વધુ જીડીપી ધરાવતા દેશોમાં લોકો વારંવાર હાથ ધુએ છે, ચોખ્ખુ પાણી પીવે છે અને ખુલામાં કુદરતી હાજતે પણ નથી જતા. છતાં આવા દેશોમાં અમુક ચેપી રોગનું પ્રમાણ વધુ હોય છે. એકંદરે એમ કહી શકાય કે, વધુ પ્રમાણમાં ચોખલાપણુ રાખનાર વ્યક્તિ પણ કોરોનામાં સપડાઈ શકે છે.
કોરોનામાં ૧૫ ટકા મોત પાછળ ગ્રીન ગેસ ઈફેક્ટ જવાબદાર!
કોરોના મહામારીનો મૃત્યુદર ઘટાડવા વિશ્ર્વના તમામ દેશમાં સંશોધનો થઈ રહ્યાં છે. કોરોના વાયરસના મોટાભાગના મોત કીડની, ફેફસા કે લીવરની બીમારી અથવા ડાયાબીટીસથી પીડાતા હોય તેવા લોકોના થાય છે. જો કે, ૧૫ ટકા મોત એવા છે જેની પાછળ પ્રદુષણ અને ગ્રીન ગેસ ઈફેકટ પણ જવાબદાર છે. વાયુ પ્રદુષણના કારણે ફેફસાને નુકશાન થતું હોવાનું જગ જાણે છે. જો કે, આવી એક્ટિવીટીથી એસીઈ-૨નું પ્રમાણ પણ વધે છે. આ પ્રકારના તત્ત્વો કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિને ગંભીર નુકશાન પહોંચાડતા હોય છે.
કોરોનાથી હૃદયને થતાં વિભિન્ન ગંભીર નુકસાનનો તાગ મેળવવા તબીબો પણ ગોટાળે
કોરોના વાયરસનું સંક્રમણ દર્દીના ફેફસા, લીવર અને કીડનીને ગંભીર અસર પહોંચાડે છે. તેવું અગાઉના સંશોધનમાં સામે આવ્યું હતું. પરંતુ હવે તો કોરોના હૃદયને અલગ અલગ પ્રકારે ગંભીર નુકશાન પહોંચાડતું હોવાનો ખુલાસો પણ થયો છે. એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં એકદમ સ્વસ્થ વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તે મોતને ભેટયો હોય. સામાન્ય રીતે લીવર, કીડનીની બીમારી અથવા ડાયાબીટીસથી પીડાતા લોકો ઉપર કોરોનાનું જોખમ વધુ હોય છે. અલબત હવે કોરોનાની પ્રકૃતિ બદલાઈ રહી હોવાથી હૃદયને પણ અલગ અલગ પ્રકારે નુકશાન પહોંચાડે છે. કોરોનાથી હૃદયને થતાં નુકશાન બાબતે મસમોટી રીસર્ચ સંસ્થાના સંશોધકો ધંધે લાગ્યા છે પરંતુ કોરોનાથી થતી કાર્ડીયાક ઈન્જરી, ઈન્ફેકશન મુદ્દે હજુ તાગ મેળવી શકયા નથી.
૧૦૦ કરોડ વખત ડાઉનલોડ થયેલું ‘આરોગ્ય સેતુ’ જ કોરોનાગ્રસ્ત
કોરોના વાયરસની સાયકલને રોકવા અને જનજાગૃતિના હેતુથી આરોગ્ય સેતુ એપ લોંચ કરાઈ હતી. આ એપ ૧૦૦ કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ હતી. લોકોનો વિશ્ર્વાસ આરોગ્ય સેતુ એપ્લીકેશન તરફ વધ્યો હતો. ત્યારે આરોગ્ય સેતુ એપ્લીકેશનને કોણે બનાવી છે તેનો પત્તો જ સરકાર પાસે ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ચોંકાવનારી વિગતો સીઆઈસી દ્વારા સેન્ટ્રલ પબ્લિક ઈમ્ફોર્મેશન ઓફિસર્સને ફટકારવામાં આવેલી નોટિસ બાદ સામે આવી હતી. જેમાં ઈલેકટ્રોનિક મંત્રાલય, નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટર એન્ડ ઈ-ગવર્નન્સ ડિવિઝન જેવી સંસ્થાઓને આરોગ્ય સેતુ અંગે જાણકારી આપવા જણાવાયું હતું. વધુ વિગતો બહાર આવી હતી કે, આરોગ્ય સેતુ એપ્લીકેશન સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર, એનઆઈસી દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે અને હોસ્ટ પણ આ સંસ્થાઓ જ છે. પરંતુ આ એપ્લીકેશન કોણે બનાવી છે તેની જાણકારી નથી. પરિણામે એ બાબત ફલીત થઈ છે કે, સરકારના મહત્વના મંત્રાલયો પણ આરોગ્ય સેતુ એપ્લીકેશનના નિર્માણકર્તા અંગે જાણતા નથી.