ધ્રુવનગરમાં ધૂમ બાઇક ચાલકનો આંતક
પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કરી ધરપકડ: કાતર અને પાઇપ કબ્જે
રૈયા રોડ પર આવેલા ધ્રુવનગરમાં બંધ શેરીમાં વર્ષોથી થતી પ્રાચીન ગરબી કોરોનાના કારણે બંધ રાખવામાં આવી છે પરંતુ પંરપાર મુજબ ગરબીને ચોકમાં રાખી શેરીની બાળા આરતી ઉતારતી હતી ત્યારે ત્યાંથી ધુમ સ્ટાઇલથી બાઇક લઇને પસાર થતા બે શખ્સોને ઠપકો દેતા તેને પોતાના અન્ય બે સાગરીતો સાથે વકીલ સહિત ત્રણ પર કાતર અને પાઇપથી હુમલો કરતા ઘવાયેલા સાળા-બનેવી અને વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગાંધીગ્રામ પોલીસ હુમલાના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી કાતર અને પાઇપ કબ્જે કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રુવનગરમાં રહેતા વીમા એજન્ટ સૌરભભાઇ પ્રવિણચંદ્ર વ્યાસે તેના પાડોશમાં રહેતા અને ત્યાં જ સુર્ય ટેલર નામની દુકાન ધરાવતા રાજુ લવજી સોલંકી, મહેશ લવજી સોલંકી, રાજ રાજુ સોલંકી અને અર્જુન ઉમેશ સોલંકી સામે કાતર અને પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પી.આઇ. કે.એ.વાળા, પીએસઆઇ અસ્મીતાબેન પીપરોતરે ચારેયની ધરપકડ કરી છે.
ધ્રવનગરમાં વર્ષોથી થતી ગરબી આ વર્ષે કોરોનાના કારણે બંધ રાખવામાં આવી છે. પરંતુ નવરાત્રી દરમિયાન આરતી ઉતારવામાં આવે છે. પાડોશમાં દરજીની દુકાનદાર રાજ રાજુ અને અર્જુન ઉમેશ નામના શખ્સો ગત તા.૨૩મીથી દરરોજ ફુલ સ્પ્રીડ સાથે બાઇક પર નીકળી ગરબીની આરતી ઉતારતી બાળાઓને હેરાન કરતા હોવાથી તેને ગઇકાલે ઠપકો દીધા બાદ તેમની દરજીની દુકાને સૌરભભાઇ વ્યાસ તેમના એડવોકેટ સાળા વિરેન ઇન્દ્રવદનભાઇ વ્યાસ રાજ અને અર્જુન અંગે રાવ કરી ત્યારે રાજુભાઇ પોતાના પુત્રને ઠપકો દેવાના બદલે ઉપરાણું લઇ સાળા-બનેવી પર હુમલો કરતા તેની વચ્ચે પડેલા ૮૦ વર્ષના વૃધ્ધા મુકતાબેન વિનોદરાય વ્યાસને પણ માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.