કચેરીમાં ઈન્ટરનેટ સર્વરના ધાંધીયા: પ્રજા ત્રાહિમામ
આઈટીઆઈ લોધીકા, માધાપર, કોટડાસાંગાણી અને એવીપીટી ખાતે પ્રતિ દિવસ માત્ર ૧૦ થી ૧૫ જ લર્નિંગ લાયસન્સ કાઢવામાં આવે છે: આરટીઓની સેન્ટ્રલાઇઝ એસી કચેરી કબૂતરો માટેનું નિવાસસ્થાન
આરટીઓ કચેરીમાં લોકોની અવર-જવર પ્રતિ દિવસ જોવા મળતી હોય છે જેમાં સૌથી વધુ લોકોને જો લાયસન્સ અથવા તો ટ્રાન્સપોર્ટેશન એટલે પરિવહનને લગતી કામગીરી હોય તો જ તેઓ કચેરીની મુલાકાતે આવતા હોય છે. આરટીઓ કચેરીમાં આવતા લોકો પોતાના લાયસન્સ અથવા વાહનોને લગતી કામગીરી માટે આવી રહ્યા છે પરંતુ સર્વર ડાઉનના કારણે તેઓનું કામ મુલત્વી રહેતું હોય છે. બીજી તરફ આરટીઓની કામગીરી છેલ્લા ઘણા સમયથી લોલંમલોલ રીતે ચાલી રહી છે. લર્નિંગ લાયસન્સ કઢાવવા લોકોને રાજકોટ શહેરથી ૨૦ થી ૨૫ કિલોમીટર દુર લર્નિંગ લાયસન્સ લેવા માટે જવુ પડતું હોય છે જેમાં આઈટીઆઈ લોધીકા, માધાપર, કોટડાસાંગાણી અને એવીપીટી આજીડેમનો સમાવેશ થાય છે જેમાં પ્રતિ દિવસ માત્ર ૧૦ થી ૧૫ જ લર્નિંગ લાયસન્સ કાઢવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ઘણાખરા લોકો લર્નિંગ લાયસન્સ માટેની અરજી કરતા હોય છે પરંતુ તેઓને જે સંતોષ મળવો જોઈએ તે પ્રકારની કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. માત્ર એટલું જ નહીં આરટીઓ કચેરી સેન્ટ્રલાઈઝ એસી હોવા છતાં ત્યાં લોકોને જે સુવિધા મળવી જોઈએ તે મળી શકતી નથી અને ભ્રષ્ટાચાર પણ પુરજોશમાં ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ભ્રષ્ટાચાર અંગે જો વાત કરવામાં આવે તો નિયમો અનુસાર જે કોઈ વ્યકિત એન્ડોર્સમેન્ટ લર્નિંગ લાયસન્સ કઢાવવા ઈચ્છતા હોય તો તેઓએ ૧૧૫૦ રૂપિયા ફી પેટે ભરવા પડે છે અને જો તેજ દિવસે તેઓ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરે તો તેઓને ૧૨ દિવસ પછી આવવા માટે તાકિદ કરવામાં આવે છે પરંતુ સરકારના કોઈપણ પરિપત્રમાં આ અંગેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે જયાં એન્ડોર્સમેન્ટ લર્નિંગ લાયસન્સ માટે લોકોએ ૧૨ દિવસનો સમય કાઢવો પડે. એવી જ રીતે જો કોઈ અરજદાર ફી ભર્યા બાદ કચેરી બહાર ૩૦૦ રૂપિયા આપે તો ત્વરીત એક જ દિવસમાં તેઓને લર્નિંગ લાયસન્સ મળી જતું હોય છે. ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે પરંતુ આરટીઓમાં પ્રમાણ ખુબ જ વધુ છે. આરટીઓ એજન્ટોનું માનવું છે કે, ઘણીખરી વખત જે અરજદાર લાયસન્સ કે અન્ય કોઈ કામગીરી માટે આરટીઓ આવતા હોય તેઓ જ રૂપિયા આપી કામ કરાવતા હોય છે જો આ પ્રક્રિયા બંધ થાય અને લોકોમાં જાગૃતતા કેળવાય તો જ આરટીઓ તંત્રમાં સુધારો જોવા મળશે.
તાલીમબઘ્ધ સ્ટાફના અભાવે અને અપુરતા ઈન્ફ્રાસ્ટ્રકચરના પગલે લોકોને લાયસન્સ મેળવવામાં પડે છે મુશ્કેલી: દિપકભાઈ જાની
જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલનાં દિપકભાઈ જાનીએ અબતક સાથેની વાતચીત દરમિયાન આરટીઓ તંત્રની લોલમલોલ કામગીરી અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, કેવી રીતે લોકોને લર્નિંગ લાયસન્સ કઢાવવામાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. તેમના જણાવ્યા મુજબ આરટીઓ દ્વારા જે અલગ-અલગ સંસ્થાઓ લર્નિંગ લાયસન્સ માટે નિર્ધારિત કરવામાં આવી છે તેનાથી લાયસન્સની કામગીરીમાં ઘટાડો નહીં પરંતુ વધારો થયો છે. આરટીઓ તંત્રના માનવા મુજબ લર્નિંગ લાયસન્સનો લોડ ડાયવર્ટ થાય તે માટે એવીપીટી અને પોલી ટેકનીકમાં લર્નિંગ લાયસન્સની કામગીરી માટે તેઓને આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ લર્નિંગ લાયસન્સની કામગીરી બપોરના ૩ કલાકે શરૂ થવાનો નિર્ધારતી સમય કરતા કામગીરી મોડી શરૂ થાય છે જેનાથી પ્રજામાં ઘણો રોષ પણ જોવા મળ્યો છે. જે સંસ્થાને લર્નિંગ લાયસન્સની કામગીરી સોંપવામાં આવી છે તે જગ્યાએ માત્ર બે-બે કોમ્પ્યુટર અને તાલિમબઘ્ધ સ્ટાફના અભાવે યોગ્ય કામગીરી પણ થઈ શકતી નથી અને આરટીઓ કચેરીને અનેકવિધ રીતે આ અંગે ફરિયાદ પણ કરવામાં આવેલી છે પરંતુ આ તમામ ફરિયાદો માટે હાલ આરટીઓ કચેરીએ મૌન પાળ્યું હોય તેવી સ્થિતિ પણ જોવા મળી છે. વધુમાં દિપકભાઈ જાનીએ જણાવતા કહ્યું હતું કે, ગત ૬ થી ૮ માસ પૂર્વે આરટીઓમાં લોકોનો ઘસારો ખુબ વધુ પ્રમાણમાં જોવા મળતો હતો. રાજકોટ પાસે ઘણી એવી જગ્યાઓ છે જયાં લર્નિંગ લાયસન્સની કામગીરી ચાલી શકે છે જેમાં હેમુગઢવી હોલ, બહુમાળી ભવનનો ઉપયોગ કરવા ઈચ્છે તો પણ થઈ શકે છે જો આ તમામ કેન્દ્રોનો લાભ લઈ યોગ્ય સંકલન કરવામાં આવે તો આરએમસીને પણ ઘણીખરી આવક થઈ શકશે. આરટીઓ દ્વારા જે કેન્દ્રો નિર્ધારીત કરવામાં આવ્યા છે તેનાથી બહારગામથી આવતા લોકોને લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે ઘણી તકલીફો વેઠવી પડે છે. સાથોસાથ ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ પણ પૂર્ણત: જોવા મળી રહ્યો છે.