પોલીસ શહીદ દિવસની ઉજવણી અંતર્ગત
ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનમાં છાત્રોએ વિવિધ મુદ્દે તર્ક રજૂ કર્યા
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર
ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા
પોલીસ શહિદ દિવસની ઉજવણી અંતર્ગત વર્તમાન સમયે પોલીસ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનના માધ્યમથી છાત્રોની પ્રતિભા ખીલવવાનો અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે મહિલાઓની પ્રગતિ અને સુરક્ષા હાલની સ્થિતિઓ તથા તેના સમાધાનો વિષય અંતર્ગત ચર્ચામાં છાત્રોની પ્રતિભા ખીલી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસની ટીમ દ્વારા ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન યોજાય જેમાં અલગ અલગ વિષયોને લઈ યુવા પેઢી વચ્ચે ચર્ચા થાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત આગામી ૩૦મી સુધી કુલ પાંચ વિષયો પર ચર્ચા થશે.
આ સેમીનારમાં રાજકોટની નામાંકીત શૈક્ષણિક સંસ્થાના છાત્રો ભાગ લઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ ખીલવવા માટે શૈક્ષણિક સંસ્થાની કમીટી દ્વારા સેમીનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીને રેન્ક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રકારનું આયોજન રાજકોટ શહેરમાં પ્રથમ વખત થઈ રહ્યું હોવાથી શહેર પોલીસની સાથો સાથ વિદ્યાર્થીઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહિલાઓની પ્રગતિ અને સુરક્ષા હાલની સ્થિતિઓ તથા તેના સમાધાનો વિષયે યોજાયેલા સેમીનારમાં છાત્રોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, આ ડિસ્કશનમાં અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. બપોરે ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધીમાં જીનીયસ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.
‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર છાત્રોના ગ્રુપ ડિસ્કશનનું લાઈવ પ્રસારણ
રાજકોટ પોલીસ દ્વારા છાત્રોમાં કૌવત ખીલે તે હેતુથી ઈન્ટર કોલેજ હેડ એન્ડ બ્રેઈન કોમ્પીટીશન (એ-ગ્રુપ ડિસ્કશન)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાઈવ ગ્રુપ ડિસ્કશન દરમિયાન ગાર્ડી વિદ્યાપીઠ, એચ.એન.શુકલા કોલેજ, આર.કે.યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીમાં છાત્રો વિવિધ વિષયો પર સામૂહિક ચર્ચામાં ભાગ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમમાં આગામી ૩૦ ઓકટોબર સુધી યોજાશે. જે અંતર્ગત ‘અબતક’ ચેનલમાં લાખો લોકો સુધી કાર્યક્રમો પહોંચી રહ્યાં છે જ્યારે ‘અબતક’ના વિવિધ ડિજીટલ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ફેસબુક અને યુ-ટયુબના પેઈઝ પર આ કાર્યક્રમનો લાભ હજ્જારો લોકો લઈ રહ્યાં છે.