ડુંગળીની જાતને પારખવામાં નાફેડ ખાય છે ‘થાપ’
માળખાગત સુવિધાઓના અભાવે નાફેડ દ્વારા સંગ્રહ કરાયેલી ડુંગળીનો ગત વર્ષે ૫૦% જ્યારે આ વર્ષે ૨૫% જેટલો જથ્થો નાશવંત
ગરીબોની કસ્તુરી સમાન ડુંગળી દર વર્ષે ગૃહિણીઓ અને ખેડૂતોને રડાવતી હોય છે. એશિયામાં ભારતએ ડુંગળીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે તેમ છતાં ભારતમાં જ ડુંગળી રડાવે છે તેની પાછળનું કારણ શું તે જાણવું અતિ આવશ્યક છે.
ડુંગળીની અલગ અલગ જાત જેમકે, લાલ , સફેદ, ગુલાબી સહિતની અલગ અલગ ડુંગળીનું આયુષ્ય અલગ અલગ હોય છે. કોઈ ડુંગળીને ૬ મહિના સુધી સંગ્રહ કરીને રાખી શકાય છે જ્યારે અમુક ચોક્કસ પ્રકારની ડુંગળી ફક્ત એક જ મહિનામાં બગડવા લાગતી હોય છે. ભારતમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોવાથી ૩૩% નાશવંત ચીજ વસ્તુઓ નાશ પામે છે. તેમાં ડુંગળીનો પણ સમાવેશ થાય છે. વિપુલ ઉત્પાદન મળે તો ખેડૂતો પાસે સંગ્રહશક્તિનો અભાવ હોવાથી ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેંચવા મજબૂર બનતા હોય છે પરિણામે ડુંગળી ખેડૂતોને રડાવતી હોય છે. જો ભાવ ઊંચા જાય તો છૂટક બજારમાં ભાવ વધુ ઊંચા જાય અને ડુંગળી ગૃહિણીઓને રડાવતી હોય છે. ટૂંકમાં ડુંગળી વારાફરતી ખેડૂતો અને ગૃહિણીઓને રડાવતી હોય છે.
ગત વર્ષે સરકારવતી નાફેડે ૫૭ હજાર મેટ્રિક ટન ડુંગળીનો સંગ્રહ કર્યો હતો. જેમાંથી અડધોઅડધ ૨૭ હજાર મેટ્રીક ટન ડુંગળીનો જથ્થો નાશ પામ્યો હતો. જ્યારે આ વર્ષે નાફેડ દ્વારા આશરે ૧ લાખ મેટ્રિક ટન ડુંગળીનો સંગ્રહ કરવામાં આવ્યું હતું જેમાંથી આશરે ૨૫ હજાર મેટ્રિક ટન જથ્થો નાશ પામ્યો છે. નાશ પામવા પાછળ માળખાગત સુવિધા કે ડુંગળીની જાત જવાબદાર છે તે એક મોટો સવાલ છે.
ડુંગળીમાં ભેજનું પ્રમાણ ઘટી જતાં નાશવંત થઈ જાય છે જેની પાછળ જવાબદાર કારણ મુખ્યત્વે સંગ્રહશક્તિનો અભાવ હોય છે. આ અંગે નાફેડના મેનેજીંગ ડિરેકટર એસ. કે. ચઢ્ઢાએ કહ્યું હતું કે, ડુંગળીનું સરેરાશ આયુષ્ય આશરે સાડા ત્રણ મહિના જેટલું હોય છે જે બાદ ડુંગળી નાશવંત થવા લાગતી હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે ડુંગળીની ખરીદી માર્ચ – એપ્રિલ મહિનામાં કરી હતી જેને ૭ મહિના જેટલો સમય થવા આવ્યો છે જેથી હવે ડુંગળીમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને નાશવંત થઈ રહી છે. નાફેડે ૪૩ હજાર મેટ્રિક ટન ડુંગળીનો જથ્થો બજારમાં ઠાલવી દીધો છે અને વધુ ૨૨ હજાર મેટ્રિક ટન ડુંગળી નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં બજારમાં મૂકી દેશે જ્યારે ૨૫ હજાર મેટ્રિક ટન જથ્થો નાશવંત થાય તેવી શક્યતાઓ છે.
હાલ કેન્દ્ર સરકારને કેરળ, અસમ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વીપ ખાતેથી ૩૫ હજાર મેટ્રિક ટન ડુંગળીનો ઓર્ડર મળ્યો છે. નાફેડ રૂ. ૨૬ પ્રતિકીલો તેમજ ટ્રાન્સપોર્ટેશન ખર્ચના ભાવે ડુંગળી આપશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે હાલ નાફેડને નવો પાક બજારમાં આવે ત્યારે ડુંગળીનો સંગ્રહ કરવા આદેશ આપ્યો છે જેથી અછતના સમયે બજારની ખોટને પુરી શકાય પરંતુ જો નાફેડ ડુંગળીની જાતને પારખવામાં થાપ ખાય તો ફરીવાર એ જ હાલત થાય તો નવાઈ નહીં. હાલના અછતના સમયમાં અમુક વેપારીઓએ અફઘાનિસ્તાન, તુર્કી, દુબઇ અને ઇજિપ્ત ખાતેથી ડુંગળીના આયાત માટે પ્રયત્નો કરી રહ્યાં છે જેના પરિણામેં આગામી સપ્તાહમાં ૬ હજાર મેટ્રિક ટનની આવક થઈ શકે છે.