હોસ્પિટલ સુત્રોએ માતા-પિતાનાં મોબાઈલ નંબર લીધા તે ખોટા: પોલીસ તંત્ર ધંધે લાગ્યું
શહેરની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બે દિવસ પહેલા, બે દિવસના નવજાત બાળકને દાખલ કરી બાળકનાં માતા-પિતા ભેદી સંજોગોમાં ગુમ થયાની વાતમાં હોસ્પિટલ તંત્ર અને પોલીસ તંત્ર ધંધે લાગી ગયું છે. બનાવની સમગ્ર વિગતોમાં કયાંકને કયાંક હોસ્પિટલતંત્રની ભયંકર બેદરકારી છતી થતી હોવાની વાતનો કચવાટ પોલીસ તંત્રમાં થતો સંભળાયો હતો.
બનાવની મળતી વિગતો મુજબ ગત તા.૨૨.૧૦.૨૦૨૦ના રોજ લલીતભાઈ બથવાર રહે. પોપટપરા, ચોટીલા) નામનો યુવાન ૨ દિવસના પોતાના બાળકને લઈને શહેરની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈને આવ્યો હતો. અહિં લલીતે પોતાના બાળકને વાંકાનેરની બાળખોની શ્રધ્ધા હોસ્પિટલમાંથી રીફર કરાયું હોવાથી લઈને રાજકોટ આવ્યો હોવાનું જણાવતા કે.ટી.ચિલ્ડ્રના હોસ્પિટલ સ્ટાફે તેની વિગતો લખી બે ત્રણ મોબાઈલ નંબર પણ એડમિશન કાગળોમાં લખ્યા હતા.
પરંતુ ગઈ તા.૨૩.૧૦ના રોજ સાંજનાં ૪.૩૦ વાગ્યાથી આ બે દિવસનાં બાળકને મૂકીને તેના માતા પિતા ભેદી સંજોગોમાં લાપતા બની જતા હોસ્પિટલ સુત્રો અને પોલીસ તંત્ર ખરેખર ધંધે લાગી ગયું છે.
કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. માલાબેન પુંજાણી તેમજ ડો. કેયુર મુનિયાએ હોસ્પિટલ પોલીસ ચોકીનાં નોંધ કરાવી હતી કે ૨ દિવસના બાળકને દાખલ કરાવનાર પિતા સહિતનાં વાલીઓનો સંપર્ક થતો નથી.
જયારે બાળકને દાખલ કરાયો ત્યારે વાલીઓએ આપેલા મોબાઈલ નંબર પર કોઈનો સંપર્ક થઈ શકતો નથી મતલબકે બંને મોબાઈલ નંબર ખોટા હોવાનું હોસ્પિટલ અને પોલીસ સુત્રોને પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
વાલીઓની નિષ્ઠુરતા કે લાચારી ??
જાણકારો કહે છે કે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકો દાખલ કરી મૂકીને વાલીઓનાં ભાગી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણી વખત કલાકો સુધી ગૂમ થઈ જતા વાલીઓ મળી આવે ત્યારે હોસ્પિટલ તંત્રને રાહત થતી હોય છે. પણ અમુક વખતે બાળકોનાં વાલીઓ ફરી હોસ્પિટલમાં આવતા જ નહોય ત્યારે સૌ અરેરાટી અનુભવે છે. આવા બનાવોમાં બાળકનાં વાલીઓની નિષ્ઠુરતા સમજવી કે લાચારી? તે પ્રશ્ર્ન તંત્ર માટે તપાસ માંગી લે તેવો છે.
બાળકની સ્થિતિ બગડી એટલે તંત્રમાં દોડધામ?
ચોટીલાના ૨ દિવસનાં બાળકની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બે દિવસથી સારવાર થઈ રહી છે. આજે ૨૪મી ઓકટોબરે બાળકની હાલત નાજૂક થઈ જતાં હોસ્પિટલતંત્ર બાળકનાં વાલીઓને શોધવા નિકળ્યું હોવાનો તાલ સર્જાયો હતો. એક તબકકે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ સુત્રે આજનો સમગ્ર બનાવ હોસ્પિટલ પોલીસ ચોકીનાં ખોળામાં પધરાવી દેવા માગતી હતી પણ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ગીડાએ સંબંધીત તબીબી ટીમનો જાણે ‘કલાસ’ લઈ લીધો હોય તેવું નજરોનજર જોવા મળ્યું હતુ
નર્સીંગ સ્ટાફની બેદરકારી પાછળ તબીબો હેરાન?
કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે ચોટીલાના ૨ દિવસનાં બાળકનાં વાલીઓ ગૂમ થવા અને વાલીઓનો સંપર્ક ન થવો એ વાત પાછળ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની બેદરકારીની ચર્ચાઓ થતી હતી. આજનાં આ બનાવની વધુ વિગતો માટે જયારે મેડિકલ ઓફીસર અને રેસીડેન્ટ ડોકટરને પોલીસ ચોકીએ બોલાવાયા ત્યારે આ બંને જવાબદાર તબીબોએ કોઈપણ પેશન્ટને દાખલ કરાય ત્યારે પૂરતી વિગતો નર્સિંગ સ્ટાફે લેવી જોઈએ તેવી વાત દોહરાવી હતી. મતલબ અર્થ એવો થયો કે નર્સિંગ સ્ટાફની બેદરકારીથી તબીબોને હેરાન થવું પડે .