ભાજપા દ્વારા દરેક ચૂંટણીઓમાં વિવિધતા સભર પ્રચાર સાહિત્યનું નિર્માણ કરવામાં આવતું હોય છે.આ વખતે પણ ભાજપા દ્વારા જુદીજુદી ૩૬ જેટલી વસ્તુઓ/પત્રિકાઓ પ્રચાર-પ્રસાર માટે બનાવવામાં આવી છે. જેમાં બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે તેમજ વિવિધ વર્ગો માટેનું અલગ અલગ પ્રચાર સાહિત્ય અને વસ્તુઓ બનાવવામાં આવી છે. ભાજપાનો વિચાર તથા કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારના પ્રજાકીય કાર્યોની માહિતી સરળતાથી લોકો સમજી શકે તે રીતે પ્રચાર સાહિત્ય બનાવવામાં આવ્યું છે.જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરીની વિગતો સુત્રો સાથેની પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટીકર વગેરેનાં વિતરણ દ્વારા જન-જન સુધી ભાજપાની વિચારધારા તથા કરેલાં પ્રજાલક્ષી કાર્યોની માહિતી પહોંચાડવામાં આવી રહી છે.
દર વખતની ચૂંટણીઓની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફોટા સાથેના ફેસમાસ્ક તથા કટઆઉટ બનાવવામાં આવ્યા છે.હાલના કોરોનાના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે મોટી સંખ્યામાં માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. જેનું દરેક સભાઓમાં, બેઠકોમાં તેમજ ઘર-ઘર સંપર્ક અભિયાનમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. એલ.ઈ.ડી. રથ દ્વારા પણ આઠે-આઠ વિધાનસભાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની ફિલ્મના માધ્યમથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.