પુસ્તકાલયને તાળા એટલે અધોગતિ તરફનું પ્રયાણ…
કિંમતી પુસ્તકો લોકોને વાંચવા મળે અને ગ્રંથાલય શરૂ થાય તે માટે નગરપાલિકા પ્રયાસો હાથ ધરે તેવી પુસ્તકપ્રેમીઓની માંગ
કર્મચારીઓ નિવૃત થતા અને સંચાલન ખોરવાતા લાયબ્રેરીને લાગ્યા તાળાર
માણાવદરમાં નવાબીકાળનું ગજનફર ગ્રંથાલય છેલ્લા અઢી વર્ષથી બંધ હોય પુસ્તકાલયના પુસ્તકો ધુળ ખાય રહ્યાં છે. ઉધઈનો ભોગ બની રહ્યાં છે. શહેર તથા પુસ્તકપ્રેમીઓ આ ગ્રંથાલય બંધ હોવાથી કચવાટની લાગણી અનુભવી રહ્યાં છે. તેમજ નગરપાલિકા આ ગ્રંથાલય વહેલી તકે ચાલુ કરવા પ્રયાસો હાથ ધરે તેવી પુસ્તકોપ્રેમીઓની માંગ છે.
આ ગ્રંથાલયમાં હિન્દી-અંગ્રેજી ભાષાના પુસ્તકો, ઐતિહાસિક સંદર્ભ ગ્રંથો, બાળગ્રંથો સહિત વિવિધ પ્રકારના પુસ્તકો અહીં જોવા મળે છે. વર્ષો પહેલા અહીં સાહિત્યપ્રેમીઓની વાંચન માટે લાઈનો લાગતી અને ઘણીવાર લોકોને બેસવા માટે જગ્યા પણ ન મળતી. પરંતુ ધીમે ધીમે પુસ્તકાલયનું સંચાલન કથળતું ગયું અને તમામ કર્મચારીઓ નિવૃત થતા લાયબ્રેરીને અલીગઢી તાળા લાગ્યાં છે. જે ફરી ખુલે તેવી સાહિત્યપ્રેમીઓની માંગ છે.
આઝાદી પછીના વર્ષોમાં શૈક્ષણીક અને વિશિષ્ટ ગ્રંથાલયો ખીલવવા તત્કાલીન સરકારોએ ધણા સારા પ્રયાસો કર્યા છે. યુનેસ્કો નામની આંતર રાષ્ટ્રીય સંસ્થાએ પણ ભારતના જાહેર ગ્રંથાલયોને વિકસાવવા મદદ કરી છે.
ભારતમાં જ્ઞાનની પરંપરા છેક ૠગ્વેદ કાળથી ચાલી આવે છે. ઇ.સ. પૂર્વે ૫૪૩ એટલે આજથી ૨૫૬૩ વર્ષ પહેલાં તાડપત્રો પર લખાવાનુ શરૂ થયું હતું ત્યારથી રાજા મહારાજાઓ અને પંડિતો પોતાના ગ્રંથાલયો રાખતા હતા ૧૬માં સૈકામાં મોગલ શાસનમાં પણ ગ્રંથાલયો હતા.
બાબર બાદશાહે “તુજકી- ઇ બાબરી નામનો ગ્રંથ પોતાના ગ્રંથાલયમાં બેસીને લખ્યો હતો. ઇ.સ. ૧૫૫૫ માં હુમાયુ બાદશાહે શેરશાહના આનંદ ભવનને ગ્રંથાલય માં ફેરવી નાખ્યું હતુ.
અંબર નરેશ અને જયપુર નાં સ્થાપક મહારાજા સવાઇ જયસિંહે ઇ.સ. ૧૭૪૨માં તેના રાજયમાં ખગોળ – સંસ્કૃત- ગ્રીક અને અરબી સાહિત્ય સાથેનું ગ્રંથાલય શરૂ કર્યું હતું ઇ.સ. ૧૭૮૪માં કલકતામાં એસિયાટીક રીસર્ચ સોસાયટી તળે ગ્રંથાલય શરૂ થયું હતું જેમાં વોર્ન હેસ્ટીંગ આ સંસ્થાનો પહેલો આશ્રયદાતા હતો તેણે સંસ્થાને દરેક જાતનું ઉતેજન આપ્યું હતુ.
ઇ.સ. ૧૮૫૬માં રાજકોટમાં લેંગ લાઇબ્રેરી, ઇ.સ.૧૮૬૮ માં લખધીર લાઇબ્રેરી સ્થપાઈ હતી. ઇ.સ. ૧૮૬૭ માં જૂનાગઢ માં ઇ.સ. ૧૮૮૨માં ભાવનગરમાં બાટર્ન લાઇબ્રેરી ઇ.સ. ૧૮૮૪ માં ગોંડલમાં ભગવતસિંહ લાઇબ્રેરી ઇ.સ. ૧૮૯૧ માં વાંકાનેરમાં વિકટોરીયા લાઇબ્રેરી તથા ઇ.સ. ૧૮૯૨ માં બોટાદમાં તખ્તસિંહજી લાઇબ્રેરી અને ઇ.સ. ૧૮૮૦ માં માણાવદરમાં ગજનફર ગ્રંથાલય સ્થપાયું હતું માણાવદર સિવાયના બધા ગ્રંથાલયો હાલમાં ચાલું છે.
પુસ્તકો ઢગલાની હાલતમાં અઢી- ત્રણ વર્ષથી ખડકી દેવાયા છે જેમના પર ધૂળના ઢગલા ચડી ગયા છે. આવા કિંમતી પુસ્તકોની હાલત સુધારવા અને લોકોને વાચનનો લાભ મળે તે માટે નગરપાલિકાના મહિલા પ્રમુખ અંગત રસ દાખવે તેવી લોકોની માગણી છે
વર્તમાન મોદી સરકાર જયારે લોકોને વાચન તરફ વાળવા અથાક પરિશ્રમ કરી છે. ત્યારે માણાવદરના નગરજનો ને આ ગ્રંથાલયનો લાભ મળે તેવા પ્રયાસો સરકાર તરફથી થાય તે ઇચ્છનીય છે.
બંધ પડેલા ગ્રંથાલયોમાં આટલા પુસ્તકોનો ખજાનો
માણાવદરના બંધ પડેલા ગ્રંથાલયમાં ૫૦૦૦થી વધારે ગ્રંથો – પુસ્તકો સચવાયા છે જે આજે સડી રહયા છે. અહીં ૨૦૦ જેટલા અંગ્રેજી, હિન્દી ગ્રંથો, ૫૦૦ થી વધારે સામાજીક સ્તરના પુસ્તકો, ૫૦ જેટલાં ઐતિહાસિક સંદર્ભ ગ્રંથો, ૪૦ જેટલા ઉર્દૂ ગ્રંથો, ૩૦ જેટલા અરબી ગ્રંથો, ૨૦૦૦ થી વધારે વિવિધ પુસ્તકો, ૧૦૦ જેટલા બાળગ્રંથો , ભગવદગોમંડળના નવ જેટલા ભાગો, તથા આજે જે અપ્રાપ્ય છે તે મહીકાંઠા- રેવાકાંઠાની ડિરેકટરીઓ. માણાવદરનો ઇતિહાસ, જૂનાગઢ તથા અન્ય રાજયોના ઇતિહાસો તથા માણાવદર સ્ટેટની કારકિર્દી વર્ણવતા અસંખ્ય પુસ્તકો આ ગ્રંથાલયમાં ઊધઇનો ભોગ બની રહયા છે.