એક વર્ષ દરમિયાન હરિયાણા-રાજસ્થાનના સાતેક જેટલા શ્રમિકોને બોલાવ્યા બાદ અવાવરૂ સ્થળે લઈ જઈ ધોકા-પાઈપથી ફટકારી લુંટ ચલાવતા: અગાઉ ફેસબૂકમાં રિવોલ્વર અને પિસ્તોલના ફોટા પાડી વહેંચવાના બહાને રાજકોટ બોલાવી પૈસા પડાવી લેતા ’તા: ક્રાઈમ બ્રાંચની ટીમે પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો
પરપ્રાંતિય શ્રમિકોને રાજકોટમાં નોકરી દેવાની ફેસબુક મારફત લાલચ આપી શહેરમાં બોલાવ્યા બાદ અવાવરૂ સ્થળો પર લઈ જઈ લાકડી, ધોકા અને પાઈપ વડે મારમારી લુંટ ચલાવનાર ટ્રાફિક શાખાના ત્રણ ટ્રાફિક વોર્ડનની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્રણેય આરોપીઓ પાસેથી ત્રણ બાઈક, ત્રણ મોબાઈલ, રોકડ રૂપિયા, પ્લાસ્ટીકનો પાઈપ સહિતનો મુદામાલ કબજે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હરિયાણા અને યુપીના બે શ્રમિકોને રાજકોટની ખાનગી કંપનીમાં નોકરી દેવાની લાલચ આપી માધાપર ખાતે બોલાવી ત્રણ શખ્સોએ બાઈકમાં બેસાડયા બાદ ગૌરીદડ ગામની સીમમાં લઈ જઈ ધોકા અને પાઈપથી ફટકારી રોકડ અને ટેબલેટની લુંટ ચલાવી નાસી છુટયા હતા જે અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે લુંટનો ગુનો નોંધાયો હતો અને ત્રણેય શખ્સોએ અખબારમાં જાહેર ખબર આપી ઘણાબધા લોકો સાથે છેતરપિંડી આચરી લુંટ ચલાવી હોવાની જાણ થતા તપાસમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમ પણ જોડાઈ હતી.
જે ગુનામાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.કે.ગઢવી, એસઓજીના પી.આઈ આર.વાય.રાવલ, કુવાડવા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એમ.સી.વાળા, પી.એસ.આઈ પી.એમ.ધાખડા સહિતની ટીમને પેટ્રોલીંગ દરમિયાન ચોકકસ બાતમી મળી હતી કે ત્રણેય લુંટ ચલાવનાર શખ્સો ટ્રાફિક શાખામાં ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતા હોય અને હાલ માધાપર ચોકડી ખાતે ઉભા છે જે હકિકતના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી પરાપીપળીયા ગામનાં અને ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતા માધવ ઉર્ફે સતીષ વિક્રમભાઈ જળુ (ઉ.વ.૨૧), રૈયાધાર મફતીયાપરામાં રહેતા ભૌતિક ભીખાભાઈ ચાવડા (ઉ.વ.૨૧), પરાપીપળીયામાં રહેતા વિશાલ માણસુરભાઈ ચાવડા (ઉ.વ.૨૦)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય ટ્રાફિક વોર્ડનની ક્રાઈમ બ્રાંચ ખાતે પી.આઈ. વી.કે.ગઢવીની ટીમે આકરી પુછપરછ કરતા ત્રણેય શખ્સો ભાંગી પડયા હતા અને જુદા-જુદા સ્થળો પર પાંચેક જેટલા શ્રમિકો સાથે લુંટ કર્યાની કબુલાત આપી હતી.
આરોપી માધવ ઉર્ફે સતિષ જળુ ટ્રાફિક વોર્ડનની નોકરીમાં જોડાયો તે પૂર્વે એક વર્ષ પહેલા ફેસબુક મારફતે મિત્ર બનાવી હથિયાર, રિવોલ્વર, પિસ્તોલ જેવા ફોટા પરપ્રાંતિય શ્રમિકોને મોકલી પોતે સસ્તામાં વેચતો હોવાનું જણાવી રાજકોટ બોલાવી શ્રમિકો પાસેથી લુંટ ચલાવતો હતો. આશરે એકાદ વર્ષ પહેલા રાજસ્થાનના એક શ્રમિકને માધાપર ચોકડી ખાતે બોલાવી રૂા.૧૫ હજાર પડાવી લઈ હમણા હથિયાર સપ્લાય કરી જાવ છું કહી નાસી છુટયો હતો. તાજેતરમાં જ રાજસ્થાનના બે વ્યકિતને માધાપર ચોકડી ખાતે બોલાવી બાઈકમાં બેસાડી આજીડેમ ખાતે લઈ જઈ ૮ હજાર રૂપિયા પડાવી નાસી છુટયો હતો. ૧૧ મહિના અગાઉ રાજસ્થાનના હરિયાણાના ત્રણ શખ્સોને બોલાવી હથિયાર આપવાના બહાને રૂા.૨૮ હજારની લુંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણેય આરોપીઓ પાસેથી ત્રણ સ્પ્લેન્ડર મોટર સાયકલ, ત્રણ મોબાઈલ, રોકડ રૂા.૯ હજાર, એક ટેબલેટ, એક લાઈટર પિસ્તોલ, મોબાઈલની પાવર બેગ, લાકડી, પ્લાસ્ટીકનો પાઈપ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. ત્રણેય આરોપીઓ છેલ્લા એક વર્ષથી ફેસબુક મારફતે પરપ્રાંતિય શ્રમિકોને હથિયાર અને નોકરી આપવાની લાલચ આપી રાજકોટ ખાતે બોલાવી લુંટ ચલાવતા હતા. આ અંગે ત્રણેય ટ્રાફિક વોર્ડનના રિમાન્ડ મેળવી ક્રાઈમ બ્રાંચ વધુ તપાસ હાથ ધરશે.