સીસીટીવી ફુટેજના આધારે ફુલવાડી વિસ્તારના બે લુખ્ખા શખ્સોએ ધોરાજીના વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવ્યાનું ખુલ્યું
દોઢેક માસ પહેલાં લૂંટનો પ્લાન બનાવી સોની બજાર વિસ્તારમાં રેકી કર્યાની શંકા સાથે બંને લૂંટારાની શોધખોળ
જેતપુરના સોની બજાર વિસ્તાર નજીક રમાકાંત માર્ગ પર ધોરાજીના વેપારીની આંખમાં મરચું છાંટી બાઇક સવાર બે શખ્સોએ રૂા.૪૨ લાખના સોનાના ઘરેણા અને રોકડાની ધોળા દિવસે ચલાવેલી દિલધડક લૂંટની પોલીસે ગણકરીના કલાકોમાં ભેદ ઉકેલી ફુલવાડી વિસ્તારના બે શખ્સોની સંડોવણી બહાર આવતા બંને શખ્સોની લૂંટના ગુનામાં શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના હીરપરા વાડી પાસે રહેતા ચીમનભાઇ વ્રજલાલ વેકરીયા જેતપુરના નાના ચોક પાસે હીર જવેલર્સ પેઢીમાં સોની વેપારીને રૂા.૪૦ લાખની કિંમતના સોનાના ઘરેણા આપવા માટે આવ્યા હતા. તેમજ તેમની પાસે રૂા.૨ લાખ ઉઘરાણીના આવ્યા હતા તે રોકડા હતા.
ચીમનભાઇ વેકરીયા પોતાના બાઇક પર રમાકાંત માર્ગ પરથી મતવા શેરી તરફ જતો હતો ત્યારે કાળા કલરનો શર્ટ પહેલાં શખ્સે ચીમનભાઇ વેકરીયાની આંખમાં મરચું છાંટી દેતા તેઓ ત્યાં બાઇક ઉભું રાખી દીધું તે દરમિયાન તેને સોનાના ઘરેણા અને રોકડ સાથેનો થેલો ઝુંટવી પાછળ આવેલા બીજા બાઇક પાછળ બેસી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. લૂંટની ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના અધિકારીઓ જેતપુર દોડી ગયા હતા.
એલ.સી.બી., એસઓજી અને જેતપુર પોલીસ સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા લૂંટના ગુનામાં જેતપુર ફુલવાડી વિસ્તારના સાકિર અને સમીર ઉર્ફે ભડાકોની ઓળખ મળતા બંનેને ઝડપી લેવા પોલીસ સ્ટાફ ફુલવાડી વિસ્તારમાં દોડી ગયો હતો જ્યાં તેનો અને તેના પરિવારનો પત્તો લાગ્યો ન હતો. સમીર ઉર્ફે ભડાકો લાંબા સમયથી રખડતો ભડટકો હોવાનું અને તેનો પરિવાર રાજકોટ રહેતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે સાકિર છેલ્લા બે માસથી લૂંટનો પ્લાન બનાવી લૂંટ માટે હોન્ડા ચલાવી શકે તેવા સાગરિતની શોધમાં હતો તેને પોતાના કેટલાક મિત્રોને જૂનાગઢના સોની વેપારીને લૂંટ માટેની વાત કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાકિર અને સમીરે લૂંટ ચલાવી બાઇક પર નાના ચોક, વડલી ચોક, સારણ પુલ પાસેથી ખોડલધામ તરફ ભાગી ગયાના પોલીસને ફુટેજ મળ્યા છે. બંને શખ્સોના મોબાઇલ ટ્રેસ કરતા બંનેના નંબર બંધ છે. પરંતુ તેને છેલ્લા બે દિવસ દરમિયાન કોની સાથે વાત કરી તેવા શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરી છે.
બંને શખ્સો પાસે સોના ઉપરાંત રૂા.૨ લાખની રોકડ હોવાથી તેઓ દુર ભાગી ગયાની શંકા સાથે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.