૧૦૨ કર્મીઓ સંક્રમિત થયા, સાજા થયા અને હાર્યા-થાક્યા વગર સેવામાં લાગ્યા
કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરીયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર બની પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. વાત છે રાજકોટની પી.ડી.યુ. સિવિલ કોવીડ હોસ્પિટલની કે જેમાં ૫૫૦ નર્સિંગ કર્મીઓ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યા છે.
રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મહેનત અને સેવાની નોંધ લેવાઈ રહી છે. રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલમાં ૪૦૬ નિયમિત અને ૧૩૭ નર્સિંગ કર્મયોગી કોન્ટ્રાકટ બેઈઝ પર એમઅંદાજે ૫૫૦ જેટલા કર્મીઓ સેવા આપે છે.પી.ડી.યુ. હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિ. હિતેન્દ્ર ઝાખરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફ મેમ્બર સૈનિકની જેમ યોધ્ધા બની લડી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ ચરિતાર્થ કર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓના પરિવાર સાથે ન હોય નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારના સભ્યોની જેમ જ દર્દીઓની સેવા-ચાકરી-સુશ્રુષા કરી રહ્યા છે.
માર્ચ મહિનાથી સતત અને જ્યારે કોરોના વોર્ડમાં ડ્યુટી હોય ત્યારે અન્ય એકપણ રજા લીધા વગર સેવા આપતા નર્સિંગ સ્ટાફનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સન્માન પણ કરવામાં આવ્યું હતું.