સિવિલનો પેરામેડીકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક કાર્યરત
સમગ્ર રાજ્યમાં કોરોનાને નાથવા આરોગ્યકર્મીઓ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિ:સ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો કોરોના મુકત બની સ્વગૃહે પરત ફરી રહયાં છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવા જ એક ફરજનિષ્ઠ આરોગ્યકર્મી ક્રિષ્નાબેન કાશીયાણી કાર્યરત છે, જેમના માટે કોરોના સંક્રમિત દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે.
ક્રિષ્નાબેન તેમની કામગીરી વિશે જણાવતા કહે છે કે,” મારુ મુખ્ય કાર્ય અહીં દાખલ દર્દીઓની સેવા-સારવાર કરવાનું છે, હું દરરોજ અહીં દાખલ થયા દર્દીઓ સાથે વાતચીત કરીને તેમને આત્મીયતા સભર હૂંફ આપી કોરોના સામે લડવા મક્કમ મનોબળ પુરુ પાડું છું, જેથી દર્દીઓ સ્વસ્થ થઈ કોરોના મુક્ત થઈ શકે, સારવારની આ પદ્ધતિથી દર્દીના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો પણ આવે છે. અહીં દાખલ વયોવૃધ્ધ દર્દીઓની દિકરી બની હું તેમની સેવા-સારવાર કરું છું, હું નસીબદાર છું કે આ મહામારીના સમયમાં પેરામેડિકલ સ્ટાફમાં કાર્ય કરી દર્દીઓને કોરોનામુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરું છું.
આમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ક્રિષ્નાબેન જેવા સંનિષ્ઠ આરોગ્ય કર્મયોગીઓની નિ:સ્વાર્થ અને પ્રતિબદ્ધ સેવાથી અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે.