સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શ્રદ્ધાળુઓ રાત્રીના ૧૧ વાગ્યા સુધી દર્શનનો લ્હાવો લઈ શકશે
ભાવિકોની વધતી ભીડ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ખાતે ભાવિકો માટે દર્શનના સમયમાં વધારો કરાયો છે. નવરાત્રીનો આજે ચોથો દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તજનો માઁ અંબાના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
નોરતાનો આજે ચોથો દિવસ છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રીની સાદગી સભર ઉજવણી થઈ રહી છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં નવલી નવરાત્રીની સાદાઈથી ઉજવણી થઈ રહી છે. માતાજીના મંદિરોમાં સામુહિક કાર્યક્રમો પણ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યા છે. સરકારની ગાઈડ લાઇન્સ અનુસાર મંદિરોમાં ભાવિકોને માત્ર દર્શનની જ છૂટ આપવામાં આવી છે. ચોટીલા, માટેલ, ખોડલધામ, અંબાજી સહિતના મંદિરોમાં ભાવિકો સરકારી ગાઈડ લાઇન્સ અનુસાર દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
દર્શનનો નવો સમય
- સાવરે ૭:૩૦ થી ૧૧ :૪૫
- બપોરે ૧૨ : ૧૫ થી ૪: ૪૫
- સાંજે ૭ થી ૧૧
અંબાજી મંદિર ખાતે ભાવિકોની વધતી ભીડને કારણે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. નોરતામાં પ્રથમ દિવસથી જ અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વધુ ને વધુ લોકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે માતાજીના દર્શન કરીશકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજથી દર્શનના સમયમાં વધારો કરાયો છે. ભવિકો હવે રાત્રીના ૧૧ વાગ્યા સુધી દર્શન કરી શકશે. જેમાં સવારે ૭ :૩૦ થી ૧૧: ૪૫ સુધી બપોરે ૧૨: ૧૫ થી ૪ : ૧૫ અને સાંજે ૭ થી ૧૧ વાગ્યા સુધી ભવિકો દર્શનનો લાભ લઈ શકશે.