પરિવારને ગરબો તથા ગરબાવલીનું નિ:શુલ્ક વિતરણ: પર્યાવરણ અને પવિત્રતા બંને જાળવતું આયોજન
રાજકોટમાં વસતા ૧,૧૧૧ કડવા પાટીદાર પરિવારે આ વર્ષે પર્યાવરણ અને પવિત્રતા જળવાય રહે તેવા સંકલ્પ સાથે ઇકો ફ્રેન્ડલી ગરબા ઘેર પધરાવ્યા છે. ઉમિયા માતાજી સંસ્થાન (ઉમિયાધામ) રાજકોટના મહીલા મંડળના આ આવકાર્ય અને પ્રેરક આયોજનને રાજકોટના વસતા પાટીદાર પરિવારે જબ્બર આવકાર આપ્યો હતો.
સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) ખાતેથી આ વિશેષ ગરબાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ હતું. ગરબા સાથે પ્રાચીન જાણીતા ગરબા અને માં ઉમિયાની વધુ ગવાતી ત્રણ આરતી સાથેની ગરબાવલી પણ દરેકને નિ:શુલ્ક આપવામાં આવી હતી.
ઉમિયા માતાજી સંસ્થાને રાજકોટના કડવા પાટીદાર પરિવારને આપેલા ઇકો ફ્રેન્ડલી ગરબાની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે કાચી માટીમાંથી તૈયાર થયો છે તેના પર કોઇ કેમીકલ રંગ નથી લગાડયા પણ ત્યાગ, સમર્પણ ના પ્રતિક જેવો ગે લગાડવામાં આવ્યો છે. નવરાત્રી પૂર્ણ થયે, આ ગરબો પોતાના ઘેર જ પાણીમાં ડૂબાડી દેવાતા તે સઁપૂર્ણ માટીમાં ફેરવાઇ જશે. આ પવિત્ર માટી તુલસી કયારામાં કે ઘરના ફુલ છોડના કુંડામાં કે બગીચામાં પધરાવી દેવાતા પર્યાવરણ અને પવિત્રતા બન્નુે જળવાશે એમ અરવિંદભાઇ પટેલે ઉમેર્યુ હતું.
ઇકો ફ્રેન્ડલી ગરબાની બીજી વિશેષતા એ છે કે, લોકો ઘેર પધરાવે અને સ્થાપન થાય તે માટે જરુરી તમામ ગરબાનું પુજન પણ વિતરણ પહેલા શાસ્ત્રોગત વિધિથી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) ખાતે જ કરાયું હતું, આ પુજન કડવા પાટીદાર પરિવારના કુળદેવી મા ઉમિયાના સાનિઘ્યમાં સંપન્ન થયું હતું. કંચનબેન મકાતી, વીણાબેન ઘોડાસરા, શ્ર્વેતાબેન મકવાણા તથા મહિલા મંડળના પ્રમુખ વિજયાબેન વાછાણીતેમજ હેતલબેન કાલરીયાના હસ્તે પુજન વિધી કરવામાં આવી હતી.
દરેક પરિવારને નિ:શુલ્ક ગરબા સાથે ગરબાની એક પુસ્તિકા પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી.
ગરબા અને ગરબાવલી ના વિતરણ માટે સવારથી સાંજ સુધીનો સમય પણ સોશ્યલ ડીસ્ટસીંગ જળવાય રહે તે માટે રખાયો હતો એ જ રીતે ગરબા પુજનમાં પણ સોશ્યલ ડીસ્ટસીંગની પુરી તકેદારી રાખવામાં આવી હતી અંતે અરવિંદભાઇએ તમામ કડવા પાટીદાર સમાજને નવરાત્રીની શુભકામના પાઠવી હતી.