સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં ૧૦ થી વધુ વિદ્યાર્થીઓ બેઠા ધરણા પર: ફરી પરીક્ષા લેવા માંગ
પેપર સબમીટ અને વેબસાઈટ પરના માર્કસ અલગ-અલગ, પ્રશ્ર્નપત્રમાં અનેક ભુલો, સર્વર પ્રોબલેમના લીધે ઘણાખરા વિદ્યાર્થીઓએ બે-બે વખત ફી ભરવી પડી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પીએચડી પ્રવેશ પરીક્ષામાં થયેલા છબરડા મામલે આજે યુનિવર્સિટીના કેમ્પસ પર ૧૦ જેટલા વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. આ વર્ષે લેવાયેલી પીએચડી પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન એમ બે રીતથી પરીક્ષા આપવા દેવામાં આવી હતી જેમાં આ વર્ષે ઓફલાઈન કરતા ઓનલાઈન પરીક્ષાનું પરિણામ ૩ ટકા વધુ આવતા ઓનલાઈન પરીક્ષામાં ચોરી થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જી-નેટસ્લેટ પાસ કરનારા વિદ્યાર્થીઓ આજે ફરી એકવાર કુલપતિને મૌખિક રજુઆત કરવા માટે પહોંચ્યા હતા અને પરીક્ષા ફરી લેવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીની પ્રવેશ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બે રીતે લેવામાં આવી હતી જેમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઈન એટલે કે ઘરે બેઠા પરીક્ષા આપી હતી. અન્ય ૫૦ ટકા વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપી હતી. શરૂઆતમાં યુનિવર્સિટી દ્વારા નકકી કરાયું હતું કે, આ વર્ષે અંગ્રેજી ભાષામાં જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે જોકે છેલ્લે-છેલ્લે યુનિવર્સિટીએ ફેરવી તોડયું હતું અને અંગ્રેજી-ગુજરાતી અને હિન્દી ભાષામાં પરીક્ષા લેવા સહમત થઈ હતી જોકે પ્રશ્ર્નપત્રોમાં અનેક ભુલો ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઈન ટેસ્ટ પૂર્ણ થઈ ત્યારે આવેલા માર્કસ અને વેબસાઈટ પરના મુકાયેલા પરિણામના માર્કસમાં ફેરફાર આવતા ઉમેદવારોએ અન્યાયની લાગણી અનુભવી હતી.આવા ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ કુલપતિને અગાઉ રજુઆત કરી હતી. આજે ફરી પાછી મૌખિક રજુઆત કરવા માટે આવ્યા હતા જોકે કુલપતિ પાસેથી સંતોષકારક જવાબ ન મળતા તેઓ યુનિવર્સિટી કેમ્પસમાં પરીક્ષા ફરી લેવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.
એક બાજુ યુનિવર્સિટી બીકોમ, બીબીએ, એલએલબી સહિતની પીજી અને યુજીની પરીક્ષા ઓફલાઈન એટલે કે ફિઝીકલી હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી છે ત્યારે પીએચડીમાં તો માત્ર ૧૬૦૦ ઉમેદવારો જ હતા તેમાં ઓનલાઈન પરીક્ષાનો ઓપ્શન રાખતા અનેક શંકાઓ ઉભી થાય છે. આ વખતે ઓનલાઈન પરીક્ષાનું પરિણામ પણ ઓફલાઈન પરીક્ષા કરતા ૩ ટકા વધુ આવ્યું છે જેને લઈને પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગડબડ થઈ હોય તેવી યુનિવર્સિટીઓમાં ચર્ચાઓએ જોર પકડયું છે.
પીએચડીની પ્રવેશ પરીક્ષા ફરી લેવામાં આવેે: વિરડા આરતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીની વિરડા આરતીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પીએચડીમાં પ્રવેશ લેવા માટે પીએચડીની પરીક્ષા આપી જોકે આ વખતે પરીક્ષામાં અનેક છબરડા જોવા મળ્યા હતા. અંગ્રેજી પેપરનું ગુગલ ફોરમેન્ટ ગુજરાતી કરાયું હોવાથી એમસીકયુ અને તેના જવાબમાં ઓપ્શનમાં પણ અનેક ભુલો હતી અને સ્પેલીંગમાં પણ અનેક ભુલો જોવા મળી હતી. આ ઉપરાંત ગુજરાતી પેપરમાં ગુગલ ફોરમેન્ટનું ટ્રાન્સેલેશન થતા તેનું અનુવાદન સરખું થયું ન હતું જેને લઈને મુશ્કેલી વેઠવી પડી હતી અને આ વખતે ઓફલાઈન પરીક્ષા લેવાતા અમારા જેવા ઓફલાઈન્ પરીક્ષા દેવાવાળા ઉમેદવારોને ભારે અન્યાય થયો છે આ બાબતે કુલપતિ યોગ્ય તપાસ કરે અને અમને ન્યાય મળે અને પરીક્ષા ફરી લેવા અમારી પ્રબળ માંગ છે જયાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસશું.
પ્રશ્ર્નો અને પેપરોમાં મહાભુલો: મહેશ બારૈયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મહેશ બારૈયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે મેં પીએચડીની પ્રવેશ પરીક્ષા આપી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક છબરડાઓ બહાર આવ્યા છે. ખાસ તો આ વર્ષે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી જેનું પરિણામ ઓફલાઈન કરતા વધુ આવ્યું છે જેથી ઓનલાઈન પરીક્ષામાં ચોરી થયાની પુરેપુરી આશંકા હોય તેવું અમને લાગી રહ્યું છે. આ ઉપરાંત અમે જયારે પેપર આપ્યું ત્યારે પ્રશ્ર્નોમાં મહાભુલો જોવા મળી હતી. એક જ ફિલ્ડના વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રશ્ર્નો પુછાતા અમારી સાથે અન્યાય થઈ હોય તેમ પણ લાગી રહ્યું છે. કુલપતિનેે આ બાબતે રજુઆત કરી છે પરંતુ અમને સંતોષકારક જવાબ મળતો નથી. આ પરીક્ષા ચોકકસથી ફરીથી લેવામાં આવે જેથી અમને પુરતો ન્યાય મળી શકે.