વોર્ડ નં.૯માં નાગરિક બેંકથી સાધુ વાસવાણી મેઈન રોડ સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નખાશે કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૨૫ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળશે જેમાં અલગ અલગ ૨૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વેસ્ટઝોનમાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં પાણી વિતરણ માટે કાલાવડ રોડ પર આત્મિય કોલેજ નજીક રૂા.૪.૪૪ કરોડના ખર્ચે ૩૦ લાખ લીટર ક્ષમતાનો પાણીનો ટાંકો બનાવવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.૯માં ૧૫૦ ફૂટ રીંગ રોડ સ્થિત રાજકોટના નાગરિક બેંકથી સાધુ વાસવાણી રોડ સુધી વરસાદી પાણીના નિકાલ માટે ૧ કરોડના ખર્ચે પાઈપ લાઈન નાખવામાં આવશે.
શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં કાલાવડ રોડ પર આવેલા હયાત પાણીની ટાંકાની બાજુમાં ટીપી સ્કીમ નં.૩ના અનામત પ્લોટ નં.૧૦૧ ખાતે નવો ૩૦ હજાર લીટર પાણીની ક્ષમતાનો ટાંકો અને નવા ઈએસઆરથી ન્યારી ફિલ્ટર પ્લાન્ટને જોડતી ૯૦૪ મીટરની પાઈપ લાઈન નાખવા માટે રૂા.૩.૭૨ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત એકમાત્ર એજન્સીએ બીડ રજૂ કરતા રી-ટેન્ડરીંગ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ૪ પાર્ટીએ બીડ રજૂ કરી હતી. અમદાવાદની રણજીત બિલ્ડકોમ લી.એ રૂા.૩.૭૨ કરોડનું મુળ કામ ૧૯.૮૯ ટકા વધુ સાથે રૂા.૪.૪૬ કરોડમાં કરવાની ઓફર આપી હતી. વાટાઘાટોના અંતે આ એજન્સીએ કામ રૂા.૪.૪૪ કરોડમાં કરી આપવા સહમતી દર્શાવતા કાલાવડ રોડ પર ૪.૪૪ કરોડના ખર્ચે ૩૦ લાખ લીટર કેપેસીટીનો પાણીનો ટાંકો બનાવવા માટેનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરના વોર્ડ નં.૯માં ૧૫૦ ફૂટ રીંગ રોડ નાગરિક બેંકથી સાધુ વાસવાણી મેઈન રોડ સુધી ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જેના કાયમી નિકાલ માટે અહીં ૯૦૦ એમ. એમ. ડાયામીયરની સ્ટોમ વોટર પાઈપ લાઈન રૂા.૧.૯ કરોડના એસ્ટીમેટ સાથેનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું. જેમાં ડી.જી.ક્નટ્રકશને આ કામ ૯.૪૦ ટકાથી વધુ ભાવે કરવા ઓફર આપી હતી. વાટાઘાટોના અંતે એજન્સી ૫.૪૦ ટકાના ઉંચા ભાવે કામ કરી આપવા તૈયાર થઈ હતી. આ વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવા રૂા.૧.૧૫ કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટે.કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ ઉપરાંત કોરોના મહામારીના અનુસંધાને આરોગ્ય સેવા વધુ સુદ્રઢ કરવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા આઉટસોર્સીંગ એજન્સીના મારફત ભરવામાં આવી હતી જેની મુદતમાં વધારો કરવા, મુખ્ય રસ્તા પર આવેલા ટ્રાફિક સર્કલને જનભાગીદારીથી ડેવલોપ કરવા તેમજ ત્રણ વર્ષ માટે નિભાવણી કરવાનો કોન્ટ્રાકટ આપવા, વોર્ડ નં.૧૨-અમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદાર મારફત સફાઈ કરાવવા, મહાપાલિકાની હદમાં મરેલા ચારપગા જાનવર ઉપાડવા, દસનામ ગૌસ્વામી અતિત સાધુ સમાજને સમાધી સ્થાન માટે રૈયામાં જમીનની ફાળવણી કરવા, નાયબ મ્યુનિ.કમિશનર બી.જી.ગૌસ્વામીનો તબીબી સારવાર ખર્ચ મંજૂર કરવા સહિતની અલગ અલગ ૨૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.