બંગાળની ખાડીના લો પ્રેસરે સીટી ઓફ પર્લને ‘તહસ – નહસ’ કરી નાખ્યું
દીવાલ ધરાશાયી થતા બાળક સહિત ૯નાં કરૂણ મોત: અનેક તણાયાં-લાપતા
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરને કારણે હૈદરાબાદ અને તેલંગણા રાજ્યના અનેક શહેરોમાં અતિભારે વરસાદને પગકે જળ પ્રલય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં આશરે ૩૦૦ મીમી જેટલો વરસાદ પડી ચુક્યો છે જેનાથી ભારે ખાના ખરાબી સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦ મીમી જેટલો વરસાદ ખાબકતાં જળપ્રલય સર્જાયો હતો. બંગાળના અખાતમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ આંધ્રપ્રદેશને ધમરોળી આગળ વધતા તેલંગણાના ૧૪ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. હૈદરાબાદના હયાતનગર ખાતે ૩૦૦ મીમી વરસાદ નોંધાયો હતો. હૈદરાબાદના મુખ્ય વિસ્તારો ગણાતા બેગમપેટમાં ૧૯૦ મીમી અને ગોલકોંડા સ્ટેશન વિસ્તારમાં ૧૮૦ મીમી વરસાદ ખાબક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કુદરતી આફતો સામે ચેતવણી જારી કરતો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો તે જ દિવસે આસમાની આફત ખાબકી હતી.
હૈદરાબાદમાં મંગળવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૩૦ લોકોના મોત થયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરના ગગનપહાડ વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા ૩ વ્યક્તિના મોત થયા હતા. બીજી એક દુર્ઘટનામાં બંદલાગુડા વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ ૧૦ મકાનો પર ધસી જતા હૈદરાબાદમાં બે મહિનાના બાળક સહિત ૯ વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા. ઇબ્રાહિમપટનમમાં બે વ્યક્તિના મોત થયા હતા. મેઇલારદેવીમાં પણ આશરે ૯ લોકો તણાઈ ગયા હતા જેમાંથી ૨ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. આંધ્રપ્રદેશમાં ૧૦ લોકોના વરસાદી દુર્ઘટનામાં મોત થયા છે જ્યારે અનેક લોકો હજુ લાપતા છે.
મંગળવારથી જ હૈદરાબાદ શહેરની સડકો અને શેરીઓ જાણે કે ઘૂઘવતી નદીઓ બની ગઈ હતી. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. છતો પર ફસાયેલા લોકોને બચાવવા માટે સરકારે એનડીઆરએફ, એસડીઆરએફ, હૈદરાબાદ કોર્પોરેશન ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ,પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા હતા. સંખ્યાબંધ વાહનો તણાઈ ગયા હતા અને મોટા ભાગના વિસ્તારોમાં વીજળીગુલ થઈ હતી.
છેલ્લા ૧૨ કલાકથી સર્જાયેલી ભયાનક સ્થિતિને પગલે તેલંગણાના મુખ્ય સચિવ સોમેશકુમારે ગ્રેટર હૈદરાબાદમાં આવેલી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં બુધવાર અને ગુરુવારે રજા જાહેર કરી હતી. તેમણે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રાહત કેમ્પોમાં આશ્રય આપવાના આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારે લોકોને કામ અત્યંત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાની સૂચના આપી હતી. ભારે વરસાદને કારણે હજારો એકર કૃષિની જમીનનું ધોવાણ થતા ખેડૂતોને ભારે નુકસાની સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
વડાપ્રધાન અને ગૃહમંત્રીએ તેલંગણા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
ભારે વરસાદના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત સાહે તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે વાત કરીને જરૂરી તમામ મદદ પહોંચાડવાની તૈયારી બતાવી હતી. લોકોને સ્થળાંતરીત કરવામાં જરૂરી તમામ મદદ પહોંચાડવા તૈયારીઓ બતાવાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું આ પ્રલયમાંથી સૌ સલામત રીતે બહાર નીકળી શકે તેવી ઇશ્વરને પ્રાર્થના કરું છું.
વોલમાર્ક લો પ્રેસરને પગલે મુંબઇ ૪૮ કલાક માટે ‘રેડ એલર્ટ’પર
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર હવે દીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હાલ ડિપ્રેશન કોંકણ – મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી વોલમાર્ક લો પ્રેસર પહોંચી ચૂક્યું છે. જેના પરિણામે મુંબઈમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં હાલ સુધી ૩ થી ૪ ઇંચ વરસાદ પડી ચુક્યો છે. મુંબઈના કોલાબામાં ૩.૫ ઇંચ, સાંતાક્રુઝમાં ૨.૫ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. હજુ આગામી ૪૮ કલાક સુધી મુંબઈને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા
પ્રાપ્ત વિગત અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી ભારે વરસાદ લાવતી આગળ વધીને વાવાઝોડાંમાં ફેરવાઈ જાય તેવી શકયતા પણ નકારાતી નથી. લો પ્રેસર કે ડિપ્રેશનએ એક પ્રકારનું વરસાદ લાવતું મીની વાવાઝોડું છે અને આજે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવા લાગ્યા હતા. ગુરુવારે દક્ષિણ ગુજરાત, શુક્રવારે કચ્છ સિવાયના અને શનિવારે કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ તેમજ ૪૦ કિમીની ઝડપે પવન સાથે ગાજવીજ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.