રાજકોટ પોલીસ વધુ ‘પાવરફુલ’ બની જશે

ક્રાઇમ બ્રાન્ચમાં વધારે ત્રણ પી.આઇ.ની નિમણુંક આપવામાં આવશે: ટ્રાફિક સમસ્યા માટે ૯૭નો સ્ટાફ ફાળવાશે

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ પોલીકીટ રીતે વ્યાપ વધવાની સાથે વસ્તી અને વિસ્તારમાં પણ વધારો થતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને પહોચી વળવા માટે ગૃહ વિભાગ દ્વારા રાજકોટ માટે ૪૫૨ સ્ટાફ વધારે મંજુર કર્યો છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વધારે ત્રણ પી.આઇ.ની નિમણુંક આપવાનો અને ટ્રાફિક સમસ્યા હલ કરવા વધારે ૯૭ સ્ટાફને નિમણુંક કરવામાં આવી છે.

રાજકોટ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીનું હોમ ટાઉન ઉપરાંત અન્ય મંત્રીઓની સતત અવર જવર રહેતી હોવાથી તેમના વીવીઆઇપી બંદોબસ્તને પહોચી વળવા માટે પોલીસ સ્ટાફની વધારે જરૂર રહેતી હતી તેમજ તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા માધાપર, ઘંટેશ્ર્વર સહિતનો વિસ્તાર ભેળવ્યો હતો આ પહેલાં કોઠારિયા અને વાવડીનો વિસ્તાર શહેરમાં ભેળવ્યો હોવાથી નવા ભળેલા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી વધારે પોલીસ સ્ટાફની જરૂરીયાત અંગે અવાર નવાર ગૃહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા થતી રજુઆતાના પગલે ૪૫૨ પોલીસ સ્ટાફ વધારે ફાળવવા માટે બજેટમાં જોગવાય કરવામાં આવી છે.

રાજકોટનો વિસ્તાર અને વસ્તી વધી છે ત્યારે પોલીસનું મહેકમ વર્ષો પુરાણું હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઘણી મુશ્કેલી થતી હતી. રાજકોટ પોલીસ સ્ટાફને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ૪૫૨નો વધારે સ્ટાફ મંજુર કર્યો છે. નવી મંજુરી મુજબ આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ પી.આઇ. કાર્યરત થશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું કે, વર્તમાન સ્થિતીને ધ્યાને લઇ રાજકોટ પોલીસના મહેકમમાં વધારો કરવા માટે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાને રજુઆત કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રજૂઆત ધ્યાને લઇ વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રાજકોટના પોલીસ દળમાં ૪૫૨નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને પહોચી વળવા માટે કુલ ૯૭ જગ્યા મંજુર કરવામાં આવી છે. જેમાં ત્રણ પી.એસ.આઇ., ૧૨ એએસઆઇ, ૨૪ હેડ કોન્સ્ટેબલ અને ૫૮ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસ હેડ કવાર્ટર ખાતે કેદી જાપ્તા, વીવીઆઇપી બંદોબસ્ત માટે પોલીસને પીઠ બળ મળી રહે તે માટે વધુ ૩૧૩ જગ્યા મંજુર કરવામાં આવી છે. જેમાં બે ઇન્સ્પેકટર, સાત પીએસઆઇ, ૭૫ હેડ કોન્સ્ટેબલ અને ૨૨૫ હેડ કોન્સ્ટેબલ તેમજ ચાર ડોગ હેંડલરનો સમાવેશ થાય છે.

ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે એક પોલીસ ઇન્સ્પેકટરની તેમજ એક ટેકનિકલ ડેટા બેઝ સુદ્રઢ બનાવવા એક પીઆઇ એમ મળી કુલ ત્રણ પી.આઇ. ફરજ બજાવશે જ્યારે પોલીસ સ્ટેશન માટે ૩૬ પીએસઆઇની જગ્યા મંજુર કરવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસના વાહનો ચલાવવા માટે આઉટ સોસથી ૩૦ ડ્રાઇવરની જગ્યા મંજુર કરવામાં આવી છે. હાલમાં શહેરના પોલીસબેડામાં એએસઆઇથી લઇ કોન્સ્ટેબલ સુધીનું ૨૦૧૫નું મહેકમ છે. તેમાં ૪૫૨ પોલીસ સ્ટાફ મંજુર થતા પોલીસની કામગીરી વધુ સારી અને અસરકારક બનશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.