આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સારું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતોએ સૌરાષ્ટ્રના મુખ્ય પાકો પૈકી એક મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. હવામાન વિભાગની આગાહી તો સાચી ઠરી, વરસાદ સારો પડ્યો પણ વરસાદે શ્રાવણના સરવળીયા વરસાવ્યા અને પાકને નુકસાની સર્જાઈ. તે ઉપરાંત અમુક અંશે મગફળીના પાકને ભેજની પણ અસર થઈ જેથી ડેમેજ માલની માત્રા પણ બજારમાં વધી. આ પ્રકારનો માલ વેંચાઈ તો જાય છે પરંતુ તેની કિંમત ઓછી હોય છે. સૌરાષ્ટ્રની મગફળી દેશ – વિદેશમાં વખણાય છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સારી ગુણવતાયુક્ત મગફળીની ખરીદી માટે દક્ષિણના રાજ્યોના વેપારીઓ સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે પણ દક્ષિણના રાજ્યોમાંથી વેપારીઓ મગફળીની ખરીદી માટે રાજકોટ આવ્યા હતા પરંતુ ગુણવતાયુક્ત મગફળીની આવક મર્યાદિત હોવાથી દક્ષિણના વેપારીઓ અન્ય માર્કેટિંગ યાર્ડ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં ગુણવતાયુક્ત મગફળી શોધવા નીકળી પડ્યા છે.
દક્ષિણના રાજ્યોમાં પણ મગફળીનું વાવેતર થાય છે. વાવેતર માટે ઉપયોગમાં લેવાતા બિયારણ માટે દક્ષિણના રાજ્યો સૌરાષ્ટ્ર પર નિર્ભર છે. ગુણવતાયુક્ત મગફળી માટે તમિલનાડુ, કર્ણાટક સહિતના દક્ષિણ રાજ્યોના વેપારીઓ સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય છે અને અહીંથી બિયારણ માટે ખરીદી કરતા હોય છે.
પ્રાપ્ત વિગત અનુસાર આ વર્ષે પણ મગફળીની ખરીદી માટે દક્ષિણના રાજ્યોમાંથી આશરે ૩૦ જેટલા વેપારીઓ સૌરાષ્ટ્રમાં આવી પહોંચ્યા છે. તેમણે સૌ પ્રથમ રાજકોટ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. પરંતુ હાલ ડેમેજ મગફળીની આવક વધુ હોય અને ગુણવતાયુક્ત મગફળીની આવક મર્યાદિત હોય વેપારીઓ અન્ય માર્કેટિંગ યાર્ડ ખાતે અને ગામડાઓમાં ચાલ્યા ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગત વર્ષે દક્ષિણ રાજ્યોના વેપારીઓ સૌરાષ્ટ્રમાંથી આશરે ૭ લાખ ગુણી મગફળીની ખરીદી કરી હતી પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને ટર્ન ઓવરની દ્રષ્ટિએ સૌથી મોટા ગણાતાં રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતેથી કોઈ ખરીદી નહીં કરી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડની પરિપેક્ષમાં જો વાત કરવામાં આવે તો આજે આશરે ૫૦ હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. ડેમજ મગફળીના ભાવ રૂ. ૭૫૦ થી ૮૫૦ સુધી રહ્યા હતા જ્યારે ગુણવતાયુક્ત મગફળીના ભાવ રૂ. ૮૫૦ થી ૧૦૫૦ સુધી મળ્યા હતા. દક્ષિણ રાજ્યોના વેપારીઓ જે ગુણવત્તાવળી મગફળીની ખરીદી કરે છે તેના ભાવ હાલ રૂ. ૧૦૦૦ થી ૧૧૦૦ સુધીના છે જે મગફળીની આવક હાલ ખૂબ મર્યાદિત છે..
આજે રેકોર્ડબ્રેક ૬૦૦૦૦ ગુણી મગફળીની આવક
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ રેકોર્ડબ્રેક ૬૦૦૦૦ મગફળીની ગુણીની આવક થવા પામી છે. બેડી યાર્ડ ખાતે દિન પ્રતિદિન મગફળીની આવકમા વધારો જોવા મળ્યો છે. હાલ રાજકોટ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ હળવદ ડિસ્ટ્રીકટમાથી મગફળીની આવક આવી રહી છે. દરરોજ સરેરાશ ૪૦ હજાર જેટલી ગુણીની આવક થાય છે. ત્યારે આજરોજ રેકોર્ડબ્રેક ૬૦૦૦૦ ગુણી આવી છે. ઓપન માર્કટમાં મગફળીના સરેરાશ ભાવ રૂ.૭૦૦થી લઇ ૧૦૦૦ સુધીના ઉ૫જી રહ્યા છે. ત્યારે આજરોજ ચીભડા ગામના ખેડૂતને ૯ નંબરની બેસ્ટ કવોલીટીની મગફળીના રૂ.૧૧૨૫ ભાવ મળ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતો ફટાફટ પોતાની મગફળી વેચાણ અર્થે લાવી રહ્યા છે.
વેપારીઓ ગુણવત્તાયુક્ત મગફળીની શોધ માટે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરી રહ્યા છે: અતુલ કમાણી
સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણીએ કહ્યું હતું કે, દર વર્ષે સૌરાષ્ટ્રની ગુણવતાયુક્ત મગફળીની ખરીદી અર્થે દક્ષિણના રાજ્યો જેમ કે, તમિલનાડુ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી વેપારીઓ આવતા હોય છે. ગત વર્ષે દક્ષિણના વેપારીઓએ ૭ લાખ મગફળીની ખરીદી સૌરાષ્ટ્રમાંથી કરી હતી. દક્ષિણના રાજ્યોમાં મગફળીનો પાક લેવામાં આવે છે જેના બિયારણ માટે સૌરાષ્ટ્રની મગફળી લઈ જતા હોય છે. આ વર્ષે પણ દક્ષિણના આશરે ૩૦ જેટલા વેપારીઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. આ વર્ષે લીલાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા મગફળીના ફાલને ભારે નુકસાની સર્જાઈ છે. ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનો પાક બગડ્યો છે. ઉપરાંત જે પાક બચ્યો છે તેમાં પણ ભેજનું પ્રમાણ વધી જતા ગુણવતા ઘટી છે.
હાલ ડેમેજ મગફળીની આવક વધુ છે. જેના ભાવ રૂ. ૭૫૦ થી ૮૫૦ સુધીના મળી રહ્યા છે. આજે આશરે ૫૦ હજાર મગફળીની ગુણીની આવક થઈ છે. જેમાં સારી ગુણવતાવાળી મગફળીના ભાવ રૂ. ૮૫૦ થી ૧૦૦૦ સુધીના મળી રહ્યા છે. દક્ષિણના વેપારીઓને જે ગુણવતાવાળી મગફળીની જરૂરિયાત છે તેના ભાવ રૂ. ૧૦૦૦ થી ૧૧૦૦ સુધીના છે જે મગફળીની આવક મર્યાદિત છે જેથી દક્ષિણના વેપારીઓએ મગફળીની ખરીદી કરી નથી. હાલ તેઓ સૌરાષ્ટ્રના અન્ય માર્કેટિંગ યાર્ડ તેમજ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને ગુણવતાયુક્ત મગફળી શોધી રહ્યા છે. આ બાબત આપણા માટે ખૂબ જ નિંદનીય છે.