૧૬મીએ મતદાન અને ૧૭મીએ પરિણામ જાહેર થશે
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે, ગઇકાલે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ખેડૂત વિભાગમાંથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી બાજુ ભાજપ પ્રેરિત પેનલના વેપારી વિભાગના ચાર ડિરેકટરો બિનહરીફ થઇ જતાં હવે આગામી ૧૬ તારીખે માત્ર ૧૨ બેઠકોની ચૂંટણી યોજાશે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી ૧૬ ઓક્ટોબરના રોજ યોજાવાની છે, ત્યારે ગઈકાલે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ખેડૂત વિભાગમાંથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચતા હવે ખેડૂત વિભાગની ૧૦ સીટો માટે ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલના ૧૦ ઉમેદવારો અને કોંગ્રેસ પ્રેરિત ૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, આ સિવાય ખરીદ વેચાણ સંઘ માટેની ૨ બેઠકની ચૂંટણી યોજાશે, જેના પર ૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ સમિતિના વેપારી વિભાગના ચાર ડિરેક્ટર પ્રવીણ સોજીત્રા, ભાવેશ દોમડીયા, ગોપાલ દેસાઈ અને ચંદુ બુટાણી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ જવા પામ્યા છે. આથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ૧૬ સીટોની ચૂંટણીમાં ૪ સીટો બિનહરીફ થઇ જતા હવે ખેડૂત વિભાગની ૧૦ અને ખરીદ વેચાણ સંઘની ૨ સીટો માટે ૧૬મી તારીખે મતદારો મતદાન કરશે. અને ૧૭ તારીખે પરિણામ જાહેર થશે.
તા. ૯ ઓકટોબરના ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફરી કોંગ્રેસે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સંઘ વિભાગના ઉમેદવાર કિરીટ પટેલ પર આક્ષેપો કર્યા હતા અને કોંગ્રેસના સહકારી ક્ષેત્રના અગ્રણી કિશોરભાઈ જણાવ્યું હતું કે, ભાજપના પીઢ સહકારી સેટ્રના એક જૂથને માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં લડતા રોકવા કિરીટ પટેલ દ્વારા કાવા દાવા કરવામાં આવ્યા છે.
જ્યારે સામાપક્ષે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના તમામ પાયાવિહોણા આક્ષેપ છે, આગામી ૧૬ તારીખે ચૂંટણી થવાની છે, ત્યારે ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલનો ભવ્યાતી ભવ્ય વિજય થશે, ગઇકાલે ચૂંટણીના ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોટી વાતો કરતા કોંગ્રેસના આગેવાનોએ ફોર્મ પાછું ના ખેચાય તે માટે તેમના ઉમેદવારોને ગોંધી રાખ્યા હતા, જ્યારે અમે આ વખતની ચૂંટણીમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે અમારા ભાજપના સહકારી ક્ષેત્રના વડીલોના આશીર્વાદ સાથે ફ્રેશ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. તેમ જણાવ્યું હતું.