ઘેટા આપવાની ના પાડતા ગેડીયા ગામના ૪ શખ્સોઅતે ધ્રુમઠ ગામે ભડાકા કરતા પ્રૌઢને ગોળી વાગી : માલધારીઓએ હાઇવે ચકકાજામ કર્યો
અમદાવાદ-કચ્છ ધોરીમાર્ગ પર આવેલા ધ્રાંગધ્રા નજીક ધ્રુમઠ ચોકડી પાસે ઘેટા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ગેડીયા ગામના ચાર શખ્સોએ માલધારી પર ફાયરીંગ કર્યાની વાયુવેગે ઘટનાની જાણ માલધારી સમાજને થતા હાઇવે પર ચકકાજામ કરી તોડફોડ કર્યાનું બહાર આવ્યુ છે. જયારે નાસી છુટેલા હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે રહેતા દેવાભાઇ અણદાભાઇ ગમારા એ દસાડા-પાટડી તાલુકાના ગેડીયા ગામનો કાળો મુનો, હજરતખાન ઉર્ફે અજુખાન, કિસ્મત અને ઇસ્માઇલ ઉર્ફે ઠુઠીયો એ નજીવી બાબતે ફાયરીંગ કર્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે દેવાભાઇ ગમારાના પિતરાય ભાઇ કકુભાઇ વેલાભાઇ ઘેટા લઇ ધ્રુમઠ ગામની સીમમાં ચરાવવા ગયા હતા. તે વખતે ગેડીયા ગામનો કાળો મુનો કાર લઇને આવ્યો. તલાવડીમાં ઘેટાને પાણી પીવડાવવુ હોય તો બે ઘેટા આપવા પડશે જયારે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનું મનદુ:ખ રાખી ગેડીયા ગામનો કાળો મુનો તેના ૩ સાગ્રીતો સાથે કાર લઇ આવી ફાયરીંગ કરતા દેવાભાઇ અને તેના ગામના મફાભાઇ કરણાભાઇને ઇજા પહોચતા સારવાર અર્થે ધ્રાંગધ્રાની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવને પગલે માલધારી સમાજના લોકો એકઠા થતા અને ફાયરીંગની ઘટનાથી રોષે ભરાયેલા યુવકોએ હાઇ-વે પર ચકકાજામ કરી તોડફોડ કરી હતી. જેની જાણ ધ્રાંગધ્રા પોલીસ મથકના પીઆઇ એ.એચ. ગોરી સહીતના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પરિસ્થીતી પર કાબુ મેળવી અને ટ્રાફીકને કલીયર કરાવ્યો હતો.
તાલુકા પોલીસ મથકના પી.આઇ. એ.એચ. ગોરી સહીતના સ્ટાફે નાસી છુટેલા હુમલા ખોરોને ઝડપી લેવા દોડધામ આદરી છે.