કોરોનાથી ડેન્ગ્યુ ઉપરાંત ચીકનગુનિયા અને મેલેરીયા પણ જાણે ફફડી ગયા હોય તેમ કેસોમાં આશ્ર્ચર્યજનક ઘટાડો
રોગચાળાને ગમે ત્યારે નાથવા માટે જાણે મહાનગરપાલિકા પાસે કોઈ જાદુઈ છડી હોય તેવું લાગી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો કાળમુખા કોરોનાથી જાણે ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનિયા જેવા રોગ પણ ફફડી ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે જાન્યુઆરીથી લઈ સપ્ટેમ્બર માસ સુધીમાં કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના ૧૦૬૨ કેસો નોંધાયા હતા. તો આ વર્ષે આશ્ર્ચર્યજનક રીતે છેલ્લા ૧૦ માસ દરમિયાન ડેન્ગ્યુના માત્ર ૨૭ કેસો જ મળી આવ્યા છે. ચિકનગુનિયા અને મેેલેરીયાના કેસમાં પણ તોતીંગ ઘટાડો નોંધાયો છે.
કોર્પોરેશન રોગચાળાના આંકડા છુપાવતું હોવાની વાત જગજાહેર છે. ગત વર્ષે ડેન્ગ્યુના માત્ર ૩૦૦ થી ૪૦૦ કેસ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. રોગચાળાના પ્રશ્ર્ને જનરલ બોર્ડમાં પણ નગરસેવકો હોબાળો મચાવ્યો હતો. કોઈપણ રોગને ગમે ત્યારે નાથી દેવા માટે જાણે મહાપાલિકા પાસે કોઈ જાદુઈ ચિરાગ કે છડી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે જાન્યુઆરીથી લઈ આજ સુધીમાં ડેન્ગ્યુના ૧૬૨ કેસ, ચિકનગુનિયાના ૨૯ અને મેલેરીયા તાવના ૯૮ કેસો નોંધાયા હતા. જે રીતે લોકો વૈશ્ર્વિક મહામારી કોરોનાથી રીતસર ફફડી રહ્યાં છે તે રીતે અન્ય નાના-મોટા રોગ કે તાવ પણ જાણે કોરોનાથી થરથર ધ્રુજી રહ્યાં હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી માસથી લઈ આજ સુધીમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના ચોપડે ડેન્ગ્યુ તાવના માત્ર ૨૭ કેસો નોંધાયા છે તો ચિકનગુનિયાના ૧૬ અને મેલેરીયાના માત્ર ૪૬ કેસ નોંધાયા છે. પ્રથમ નજરે જ આ આંકડો શંકાસ્પદ લાગે છે. કારણ કે, એક અઠવાડિયામાં એટલા કેસો નોંધાયા તેનાથી પણ ઓછા કેસ છેલ્લા ૧૦ માસમાં નોંધાયા હોવાનું મહાપાલિકા દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ તંત્ર એક માત્ર કોરોના પર જ ફોકસ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ એવી પણ શંકા સેવાઈ રહી છે કે, શહેરની સરકારી કે અલગ અલગ ખાનગી હોસ્પિટલ પાસેથી સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ લેવામાં આવતા ન હોય. જો કે, છેલ્લા સાતેક માસથી આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે જાહેર કરવામાં આવતા રોગચાળાના સતાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી તે પણ શંકા ઉપજાવતી બાબત છે. આ વર્ષે એવું બતાવવામાં આવી રહ્યું છે કે, ગત વર્ષે ડેન્ગ્યુના ૧૦૬૨ કેસ નોંધાયા હતા પરંતુ ગયા વર્ષે આટલી મોટી માત્રામાં ડેન્ગ્યુના કેસો નોંધાયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. દર વર્ષે રોગચાળાના સાચા આંકડા છુપાવી તંત્ર રાજકોટવાસીઓના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરી રહ્યું છે.
આરોગ્ય તંત્રને પંપાળવા માટે શાસકોની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે. જનરલ બોર્ડમાં રોગચાળાના પ્રશ્ર્ને વિપક્ષો હોબાળો કરે ત્યારે લોકો સુધી રોગચાળાના સાચા આંકડે પહોંચે તેવા પ્રયાસ કરવાના બદલે શાસકો પણ ઢાંક પિછોડા કરવાની કામગીરીમાં લાગી જતું હોય છે. ગત વર્ષે ડેન્ગ્યુના ૧૦૬૨ કેસની સામે આ વર્ષે માત્ર ૨૭ કેસ હોય તે વાત કોઈ કાળે ગળે ઉતરે તેમ નથી. આ વખતે તો ડોર ટુ ડોર આરોગ્યલક્ષી સર્વે માટે ૩ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ મળવા જોઈએ તેની જગ્યાએ આશ્ર્ચર્યજનક અને અકલ્પનીય તોતીંગ ઘટાડો જોવા મળી રહ્યો છે.