ગોંડલમાં ૮૦ હજાર ગુણી અને રાજકોટમાં ૩૦ હજાર ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવક થઈ : મગફળીના રૂ. ૮૦૦થી ૧૦૫૦ સુધી ઉપજતા હોય અને ચુકવણું પણ તુરંત થઈ જતું હોવાથી ખેડૂતો મગફળીનો તાત્કાલિક નિકાલ કરી રહ્યા છે
સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં જે રીતે મગફળીની આવક થઈ રહી છે. તે જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે સરકારના ટેકાને પડતો મૂકી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. હાલ મગફળીના રૂ. ૮૦૦થી ૧૦૫૦ સુધી ઉપજતા હોય અને ચુકવણું પણ તુરંત થઈ જતું હોવાથી ખેડૂતો મગફળીનો તાત્કાલિક નિકાલ કરી રહ્યા છે.
સરકાર દ્વારા તાજેતરમાં મગફળીનો ટેકાનો ભાવ ૧૦૫૫ જાહેર કરવામાં આવ્યો છે. અને હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ઉપરાંત ખુલ્લા બજારમાં પણ મગફળીની બમ્પર આવક થઈ રહી છે. આજના આંકડા જોઈએ તો ગોંડલમાં ૮૦ હજાર ગુણી અને રાજકોટમાં ૩૦ હજાર ગુણીની રેકોર્ડબ્રેક આવક થઈ રહી છે. જ્યારે સુત્રાપાડામાં ૪૫૦૦ ગુણી, જૂનાગઢમાં ૩૮૨૬ ગુણી અને ઉપલેટામાં ૫૦૦ ગુણીની આવક નોંધાઇ છે.
હાલ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ રહી છે. જેના બે કારણો છે. એક કારણ એ છે કે ખેડુતોએ સરકારના ટેકાને પડતો મૂકી દીધો છે. જ્યારે બીજું કારણ એ પણ છે કે ટેકાના ભાવે અંદાજે ૨૫ ટકા જેટલું જ ઉત્પાદન ખરીદવામાં આવતું હોય અમુક ખેડૂતોને પુષ્કળ ઉત્પાદન થયું હોય તેઓ બાકીની મગફળી ખુલ્લા બજારમાં વેચવા માટે કાઢી રહ્યા છે.
ઉપરાંત મળતી માહિતી મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના રૂ. ૯૦૦થી ૧૦૫૦ તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના રૂ. ૮૦૦થી ૧૦૦૦ ભાવ આપવામાં આવી રહ્યા હોય વજન પણ પૂરો આવતો હોય વધુમાં ચુકવણું પણ તુરંત કરવામાં આવતું હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદીની રાહ જોવાને બદલે મગફળીનું ખુલ્લા બજારમાં વેચાણ કરીને આર્થિક સંકટ ટાળી રહ્યા છે.
ટેકાની ખરીદીના રજિસ્ટ્રેશનના આંકડા પણ મોટા, અતિવૃષ્ટિ વચ્ચે પણ શું મગફળીનું મબલખ ઉત્પાદન થયું?
એક તરફ સરકાર દ્વારા અતિવૃષ્ટિથી મગફળીના પાકની સહાય આપવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. બીજી તરફ ખુલ્લા બજારમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઇ રહી છે. ઉપરાંત ટેકાના ભાવે પણ મગફળી ખરીદીની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે અતિવૃષ્ટિ વચ્ચે પણ મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે.