અમદાવાદ શહેર ખાતે બદલી થતા પી.આઇ. આર.એસ. ઠાકરે ‘ અબતક મીડિયા’ની મુલાકાત લઇ રાજકોટ સાથેની યાદો વાગોળી
કોરોના કાળમાં આરોગ્ય તંત્રની સાથે પોલીસ તંત્રની પણ જવાબદારીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાથી માંડી લોકોને જાગૃત કરવા સહિતની જવાબદારી નિભાવી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં કોરોના કાળમાં ખૂબ પ્રસંશનીય કામગીરી કરનાર યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકરની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. ચાર્જ છોડ્યા બાદ પીઆઈ આર.એસ. ઠાકરે ’અબતક’ મીડિયાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે રાજકોટ સાથેના અનુભવો અને યાદોનું વર્ણન કર્યું હતું.
આર.એસ. ઠાકરે રાજકોટ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર ધરાવતા બી ડિવિઝન પોલીસ મથકમાં પણ મહત્વની જવાબદારી નિભાવી છે. બી ડિવિઝન પોલીસ મથક હેઠળ ભગવતીપરા, મોરબી રોડ, પેડક રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. શૈક્ષણિક જાગૃતિના અભાવે આ વિસ્તારમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધુ છે. ઉપરાંત ભૂ માફિયાઓ, વ્યાજંકવાદ સહિતના ગુન્હાઓનું પ્રમાણ પણ આ વિસ્તારોમાં વધુ છે. બી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં લઘુમતીઓનો વસવાટ હોવાથી કોઈ કોમી તંગદિલી સર્જાય નહીં તેનું પણ ધ્યાન પોલીસે રાખવાનું હોય છે. ત્યારે પીઆઇ આર.એસ. ઠાકરે આ જવાબદારીનું નિર્વાહન પણ ખૂબ સારી રીતે કર્યું હતું.
ત્યારબાદ આર. એસ. ઠાકરની આંતરિક બદલી ટ્રાફિક શાખામાં કરવામાં આવી હતી. ટ્રાફિક શાખાની નોકરી ખૂબ આકરી હોય છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી – કર્મચારીએ ગમે તેવા ટાઢ – તડકા – વરસાદમાં પણ નિષ્ઠાપૂર્વક ફિલ્ડવર્ક કરવાનું હોય છે. જે જવાબદારી પણ આર. એસ. ઠાકરે કર્તવ્યનિષ્ઠ બની સંભાળી હતી. જે બાદ આર. એસ. ઠાકરની બદલી યુનિવર્સિટી પોલીસ મથક(મુંજકા પોલીસ મથક) ખાતે ઓક્ટોબર ૨૦૧૯માં કરવામાં આવી હતી. એકાદ વર્ષ સુધીના સમયગાળામાં સૌથી મોટો પડકાર કોરોના સંક્રમણ રહ્યું હતું. તેમાં પણ મુંજકા ખાતે પરપ્રાંતિય મજૂરોનો વસવાટ હોવાથી શાપર જેવી ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી હતું. એ સિવાય લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે, લોક ડાઉન જળવાય, રાત્રી કરફ્યુનો અમલ થાય, ક્ધટેનમેન્ટ ઝોનમાં અવર જવર સંપૂર્ણ બંધ થાય સહિતની કામગીરીઓ જીવના જોખમે કરવાની હોય છે. આ તમામ કામગીરીઓ યુનિવર્સિટી પોલીસે ખૂબ સારી રીતે પીઆઇ આર.એસ. ઠાકરની આગેવાનીમાં કરી હતી.
અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈને પી.આઈ. આર.એસ. ઠાકરે તેમની રાજકોટ સાથેની યાદો વાગોળતા કહ્યું હતું કે, મેં મારી પોલીસ અધિકારી તરીકેની સફરની શરૂઆત નવસારી જિલ્લાથી કરી અને જામનગર, દ્વારકા, સલાયા, રૂરલ એલસીબી જામનગરમાં પીએસઆઇ તરીકેની જવાબદારી સાંભળી છે. જે બાદ મને પીઆઇ તરીકેનું પ્રમોશન મળ્યું અને ગિરસોમનાથ ખાતે મારી પીઆઇ તરીકે પ્રથમ બદલી થઈ. જે બાદ મને રાજકોટ શહેરમાં પ્રથમ વાર શહેરી વિસ્તાર એટલે કે કમિશ્નરેટ વિસ્તારમાં ફરજ બજાવવાનો મોકો મળ્યો. આ પહેલા મેં તાલુકા – જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જ ફરજ બજાવી હતી જેથી શહેરી વિસ્તારમાં આ જવાબદારી સંભાળવાનો મોકો મને રાજકોટે આપ્યો છે. તેમણે રાજકોટની યાદોમાં બી ડિવિઝન પોલિસ મથકને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બી ડિવિઝન પોલીસ મથક ખાતેથી ઘણું શીખવા મળ્યું છે. જેટલું કામ મેં મારી આખી કારકિર્દીમાં જેટલું કામ કર્યું તેટલું ફક્ત બી ડિવિઝનમાં કરવાનું થયું હોય તેવું મને લાગે છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટ શહેર અને ખાસ બી ડિવિઝન ખાતે જે અનુભવ મળ્યો છે તે મને આગળના દિવસોમાં ખૂબ જ કામ આવશે.
બી ડિવિઝન પોલીસ મથક મારી કારકિર્દીનું સૌથી
વધુ ચેલેન્જીંગ પોલીસ મથક: આર.એસ. ઠાકર
આર.એસ. ઠાકરે કહ્યું હતું કે, મારી કારકિર્દીમાં સૌથી વધુ પડકારજનક પોલીસ મથક બી ડિવિઝન રહ્યું. જેમાં કળ અને બળ બંનેની સમતુલા જાળવવી ખૂબ જરૂરી છે. બી ડિવિઝન અને યુનિવર્સિટી પોલીસ મથક બંને રાજકોટ શહેરમાં છે પણ બંનેમાં આસમાન – જમીનનો તફાવત છે. બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારોમાં શરીર સંબંધી ગુન્હાઓનું પ્રમાણ ખૂબ વધુ છે. જેમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરિયાત હોય છે જેથી બી ડિવિઝનમાં ફરજ બજાવવી હોય તો હંમેશા જાગતું રહેવું પડે. કોમી તંગદિલી સર્જાય નહીં અથવા તો થતાં પહેલા અટકાવી દેવામાં આવે તેવી કામગીરી બી ડિવિઝન ખાતે કરવાની હોય છે.
માર્કેટિંગ યાર્ડમાં સળગેલા બારદાનની ઘટનાની સચોટ તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી એ ખૂબ સંતોષકારક
તેમણે કહ્યું હતું કે, બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ દરમિયાન અનેકવિધ ગુન્હાઓ સામે આવ્યા હતા પરંતુ જુના માર્કેટિંગ યાર્ડમાં જે બારદાન સળગવાની ઘટના હતી તે ખૂબ પડકારજનક હતી. તેમાં એક દિશામાં તપાસ કરીએ તો બીજો ગુન્હો સામે આવે. તેની ઉપરથી ફરિયાદ નોંધી તે દિશામાં તપાસ ચલાવીએ તો અન્ય કોઈ ગુન્હો સામે આવે. તે પ્રકારે તપાસ કરીને તમામ પાસાઓ ધ્યાને રાખીને ગુન્હો ડિટેકટ કર્યો ત્યારે સંતોષ મળ્યો હતો.
કોરોના કાળમાં પરિવાર સાથેનું અંતર વધ્યું
તેમણે પરિવાર અંગે કહ્યું હતું કે, એક નાનું બાળક છે જે હાલ ધોરણ ૯ માં અભ્યાસ કરે છે પરંતુ મારી અવાર નવાર બદલી થતી હોવાથી ફક્ત ૯ વર્ષમાં મારા બાળકે ૧૧ સ્કુલ બદલાવી પડી છે. હવે અમદાવાદ બદલી થઈ છે અને જો ચાર વર્ષ એક જ શહેરમાં ફરજ રહેવાનો મોકો મળે તો મારા બાળકના જીવનના મહત્વના ચાર વર્ષ જેમાં ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨નો સમાવેશ થાય છે તે એક જ સ્કૂલમાં પસાર થઈ શકે. તેમણે કહ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે ઘર – પરિવારને ખૂબ ઓછો સમય આપી શકું છું. કોરોના કાળમાં પરિવાર સાથે અંતર થોડું વધુ બન્યું હતું. પ્રાથમિક તબક્કામાં જે રીતે સંક્રમણનો ડર વધુ હતો ત્યારથી જ મારો અલગ રૂમ, કપડાં, બાથરૂમ હતો. હું પરિવારથી થોડો એકલવાયો રહેતો થઈ ગયો હતો. બધા સમજી શકે પણ નાનું બાળક સમજી શકે નહિ જેથી થોડી વધુ અગવડતાનો સામનો કર્યો.