ફાઇનલ ટેસ્ટીંગ માટે ઓસ્ટ્રીયાની બીજી ટીમ સપ્તાહના અંતમાં આવશે ત્યારબાદના રિપોર્ટના આધારે રોપ-વે પ્રોજેકટ શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે
ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપર શરૂ થનાર રોપવે હવે પૂર્ણતાને આરે છે અને છેલ્લા બે દિવસથી ટ્રોલી લગાવી સિગ્નલ અને કેબલ ની આખરી કામગીરી ચાલી રહી છે. જો કે, જૂનાગઢવાસીઓ માં ટ્રોલી નું ટેસ્ટિંગ ચાલી રહ્યું હોય એવો વિડીયો વાયરલ થતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી પરંતુ વાસ્તવમાં ફાઇનલ ટેસ્ટિંગ માટે ઓસ્ટ્રીયાની એક ટીમ આ અઠવાડિયે આવી રહી છે અને તેના રિપોર્ટ બાદ સંભવત દિવાળી પહેલા અને કદાચ આ નવરાત્રિમાં રોપવે શરૂ થઈ જાય તેવી અટકળો બંધાઈ રહી છે.
જૂનાગઢના ગરવા ગઢ ગિરનાર ઉપર શરૂ થનાર રોપવે હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થશે અને તે માટેની આખરી કામગીરી પૂર્ણ થવાના આરે છે, તેવી કોમેન્ટ સાથે રોપવે પર ચાલતી ટ્રોલીનો ટેસ્ટિંગ થતો હોવાનો વીડિયો વાયરલ થતા જુનાગઢના નગરજનો સહિત પ્રવાસીઓમાં ભારે ખૂશીની લહેર પ્રસરી જવા પામી છે.
વાસ્તવમાં જુનાગઢના ગરવા ગિરનાર ઉપર રોપવે આખરી કામગીરી પૂર્ણતાના આરે છે અને અંબાજી ઉપરના અપર પોઇન્ટથી એન્જીનીયરો અને વિશેષજ્ઞો દ્વારા સિગ્નલ અને કેબલ સહિતની કામગીરીની ચાલી રહી હોય, ટ્રોલી લગાવી કામગીરી થઈ રહી છે.
ગિરનાર પર્વત પરના રોપવેનો પ્રારંભ નવમી નવેમ્બરે ૨૦૨૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે માટે રોપ-વેની કામગીરી કરતી ઉષા પેકિંગ કંપની દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન કોરોના મહામારીનો કારમો સમય આવી જતા, રોપ વેની કામગીરી ઠપ થઈ જવા પામી હતી.
બાદમાં અન લોક જાહેર થતાની સાથે જ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિદેશથી એન્જિનિયર આવી નહીં સકતા કામગીરી થોડી વિલંબમાં પડી હતી, દરમિયાન થોડા દિવસો અગાઉ ઓસ્ટ્રેલિયાની એક એન્જિનિયર ટીમ જૂનાગઢ ખાતે પહોંચી હતી અને ફરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.
જેના ફલ સ્વરૂપે કામગીરી પૂર્ણતાને આરે પહોંચવા આવી છે, અને શનિવારે ત્રણ ટ્રોલી લગાવી અને ગઇકાલે વધુ ટ્રોલીઓ લગાવી, સિગ્નલ અને કેબલ નું ટેસ્ટીગ કરવામાં આવ્યું હતું. જે ખરેખર ફાઈનલ ટેસ્ટી ગ નથી પરંતુ ટ્રોલી લગાવી વિવિધ બાબતોની આખરી કામગીરી ચાલી રહી છે અને આ સપ્તાહમાં ઓસ્ટ્રેલિયાના એન્જીનીયર ની એક ખાસ ટીમ જૂનાગઢ આવી રહી છે જે ૨૫ જેટલી ટ્રોલીનોનું પ્રોપર ટેસ્ટી ગ કરશે અને તેમના રિપોર્ટના આધારે રોપ વે પ્રોજેક્ટ ને શરુ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે.