આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી
રાજકોટ, લોધિકા, પડધરીના ખેડૂતો રજીસ્ટ્રેશન માટે ઉમટ્યાં: વીસીઇની હડતાળથી સમસ્યા ઉદભવી: રજીસ્ટ્રેશન વ્યવસ્થામાં સુધારો કરવા માંગ
રાજયભરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થવા પામી છે ત્યારે વીસીઇએ ખરા સમયે હડતાલના મંડાણ કરતા ખેડૂતો અટવાયા છે. આ ખરીદ નોંધણીની પ્રક્રિયામાં વીલેજ કોમ્પ્યુટર ઓપરેટરની ખાસ જરૂર પડે છે ત્યારે આજે આશરે ૩૦૦૦ જેટલા ઓપરેટરોએ પોતાનો લટકતો પગાર પ્રશ્ર્ન તેમજ કમિશન મુદ્દે હડતાલના મંડાણ કર્યા છે.
આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થતા રાજકોટ જૂના યાર્ડ ખાતે પ્રથમ દિવસે જ હોબાળો મચ્યો હતો. વીસીઇની હડતાલથી રાજકોટ, લોધિકા, પડધરી વગેરે તાલુકાના ખેડૂતો નોંધણી માટે આવ્યા હતા. રાજકોટ જુના યાર્ડમાં ૫૦૦ ખેડૂતોમાંથી માત્ર ૨૦ જેટલા જ ખેડૂતોને ટોકન અપાતા ખેડૂતોએ ધમાલ મચાવી હતી. આ ઉપરાત ખેડૂતોએ રજીસ્ટ્રેશનની વ્યવસ્થામાં સુધારો કરવામાં માંગ ઉઠાવી હતી.
રાજય સરકાર દ્વારા આગામી ૨૦ ઓકટોબર સુધી નોંધણી પ્રક્રિયા અને ત્યારબાદ ૨૧મીથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરાશે. રાજકોટ જિલ્લા લોધિકા-પડધરી તાલુકાના ખેડૂતો રાજકોટ જુની એપીએમસી તેમજ ગોંડલજન ખેડૂતો ગોંડલની નવી એપીએમસી ખાતે નોંધણી કરાવી શકશે. ત્યારે આજરોજ નોંધણી માટે આવેલા રાજકોટ જૂના યાર્ડ મા આશરે ૫૦૦ માથી ૨૦ જેટલા ખેડૂતોને ટોકન અપતા અને અન્ય ખેડૂતોને પાછા જવાનુ કહેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
આ અંગે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસ હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી છે. પરંતુ આવતીકાલથી વ્યવસ્થામાં સુધારો કરાશે. અને વધુમાં વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાશે. વીસીઇના પણ પ્રશ્ર્નો ઉકેલાય અને હડતાલ સમેટાશે જેથી ગ્રામ્ય લેવલે ખેડૂતોને નોંધણી માટે સમસ્યા ન ઉદભવે.
હવે ગ્રામ પંચાયતોમાં પણ રજીસ્ટ્રેશન શરૂ કરાશે: પ્રાંત ચરણસિંહ ગોહિલ
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહેલ જણાવ્યું કે, રાજકોટ જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરાયું છે. આ માટે અગાઉ કરવાની થતી નોંધણી પ્રક્રિયા માટે ગ્રામ્ય કક્ષાએ વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફતે નોંધણી કરાવવાની રહે છે. આ ઉપરાંત મગફળીની ખરીદી માટે રાજકોટ જિલ્લામાં નીચે મુજબના ૮ (આઠ) એ.પી.એમ.સી ખાતે ૧૧ કેન્દ્રો નક્કી કરાયા છે. રાજકોટ જિલ્લામાં લોધીકા અને પડધરી ખાતે એ.પી.એમ.સી સેન્ટર ન હોવાથી
આ તાલુકાના ખેડુતોની મગફળીની ખરીદી રાજકોટ જુની એ.પી.એમ.સી. ખાતેથી તથા કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોની મગફળીની ખરીદી ગોંડલ એમ.પી.એમ.સી. ખાતે કરવામાં આવશે. આથી આ તાલુકાના ખેડુતોએ તેમની નોંધણી પણ ત્યાં જ કરાવવાની રહેશે. આ સીવાય રાજકોટ ખાતે જુની એમ.પી.એમ.સી., ગોંડલ નવી એમ.પી.એમ.સી., જેતપુર એમ.પી.એમ.સી., ધોરાજી એમ.પી.એમ.સી., ઉપલેટા એમ.પી.એમ.સી., જામકંડોરણા એમ.પી.એમ.સી., જસદણ એમ.પી.એમ.સી., વિંછીયા એમ.પી.એમ.સી., ખાતે ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે. આ તમામ મગફળી ટેકાના ભાવે વેંચાણ કરવા ઇચ્છતા ખેડુતોની નોંધણી પ્રક્રિયા તા.૧ ઓકટોબરથી શરૂ કરવામાં આવશે. ગ્રામ પંચાયતોમાં પણ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા અન્વયે ફરીયાદ નિવારણ માટે જિલ્લા કક્ષાએ નાગરીક પ્રુરવઠા નિગમ લી.ની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયેલ છે. જેના સંપર્ક નંબર ૦૨૮૧-૨૪૫૪૨૫૮, ૬૩૫૯૯૪૬૧૯૭, ૬૩૫૯૯૪૬૨૦૨, ૬૩૫૯૯૯૪૨૦૬ છે.