ધોળા દિવસે સાધના કોલોનીમાં લૂંટ
બે અજાણ્યા શખ્સોએ ફ્લેટમાં ઘૂસી સોનાના છ તોલાના દાગીના અને ૨૧ હજાર રોકડાની લૂંટ ચલાવી: નગરજનોમાં ફફડાટ
જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં ભાડાનો ફ્લેટ જોવાના બહાને એક વૃદ્ધાના રહેણાકમાં ઘૂસી ગયેલા હિન્દીભાષી બે અજાણ્યા શખ્સે તૃદ્ધાને છરી બતાવી દોરડાથી બાંધ્યા પછી ઘરમાં રહેલા સોનાના છ તોલાના દાગીના અને એકવીસ હજાર રોકડાની લૂંટ ચલાવી હતી. દોડી આવેલી પોલીસે નાકાબંધી કરાવી હતી પણ લૂટારૃ હાથ લાગ્યા નથી. ધોળાદિવસે ભરચક વિસ્તારમાં લૂંટ થતા એકલદોકલ રહેતા વૃદ્ધ નગરજનોમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.
જામનગર શહેરમાં ધોળા દિવસે બનેલા આ બનાવની વધુ વિગત મુજબ નગરના રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીના ત્રીજા ઢાળીયે બ્લોક નં. એલ-૩૦માં ચોથા માળે વસવાટ કરતા નિર્મળાબેન વિજયભાઈ કાપડી (ઉ.વ. ૬૦) નામના બાવાજી વૃદ્ધા ગઈકાલે બપોરે બેએક વાગ્યે પોતાના ઘરે જમ્યા પછી આરામ કરતા હતાં ત્યારે ૩૦ થી ૩૫ વર્ષની વયના લાગતા બે અજાણ્યા શખ્સ તેમના ફ્લેટમાં આવ્યા હતાં. જેમાના એક શખ્સે ભુખરા રંગનું પેન્ટ અને કાળો શર્ટ તેમજ બીજા શખ્સે ખાખી રંગનું પેન્ટ અને કાળા રંગનો શર્ટ પહેર્યો હતો.
ઘરમાં એકલા રહેલા નિર્મળાબેનને હિન્દી ભાષામાં બોલતા આ શખ્સોએ તમારો નીચે આવેલો ફ્લેટ ભાડે આપવાનો છે, તે ફ્લેટ અમારે જોવો છે તેમ કહેતા નિર્મળાબેને તે ફ્લેટની ચાવી ઉપરોક્ત બન્ને શખ્સને સોંપી હતી. તે પછી ફ્લેટ જોવા ગયેલા બન્ને હિન્દીભાષી થોડીવાર પછી પરત આવ્યા હતાં અને તેઓએ ઘરમાં ઘૂસી જઈ નિર્મળાબેનને છરી બતાવી ચૂપ રહેવાનું કહી ગળુ દબાવવાનું શરૃ કર્યા પછી દોરડાથી તેમજ પ્લાસ્ટિકની ટેપથી બાંધવાનું શરૃ કર્યું હતું.
પરિસ્થિતિ પારખી જઈ આ વૃદ્ધાએ બૂમ પાડવાની કોશિશ કરતા ઉપરોક્ત શખ્સોએ તેઓના મ્હોમાં નેપ્કિન તથા સાડી ઠૂંસી દઈ તેઓને બેબસ બનાવી દીધા હતાં અને ઘરમાં ખાંખાખોળા શરૃ કર્યા હતાં. જેમાં આ શખ્સોને ઘરમાંથી સોનાનો એક હાર, એક ચેઈન, કાનમાં પહેરવાની ટોપની જોડી, બુટીયાની જોડી મળી ૬ તોલા સોનાના દાગીના સાંપડ્યા હતાં અને રૃા. ૨૧,૦૦૦ની રોકડ પણ મળી ગઈ હતી.
અંદાજે રૃા. ૧.૬૮ લાખના સોનાના દાગીના અને રોકડ તેમજ રૃા. ૧૦૦૦નો મોબાઈલ તથા નિર્મળાબેનના બે એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ પણ મળી આવતા રૃા. ૧.૯૦ લાખની મત્તા ઉઠાવી બન્ને લૂટારૃ પલાયન થઈ ગયા હતાં. તે પછી યેનકેન પ્રકારે દોરડામાંથી મુક્ત થયેલા નિર્મળાબેનને બૂમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતાં અને પોલીસને જાણ કરાઈ હતી.
ઉપરોક્ત બનાવની વિગત મળતા સિટી ડીવાયએસપી એ.પી. જાડેજા, એલસીબી તથા સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો ધસી આવ્યા હતાં. પોલીસે યુદ્ધના ધોરણે નાકાબંધી કરાવી હતી પરંતુ હિન્દીભાષી ઉતારૃઓ હાથ લાગ્યા ન હતાં. પોલીસે નિર્મળાબેનની ફરિયાદ પરથી આઈપીસી ૩૯૪, ૩૪૭, ૪૫૦, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. તે વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા છે.