ગીરનાર રોપ-વે પ્રોજેકટ પુર્ણતાના આરે
રોપ-વે બનતા ટુરીસ્ટોનો ટ્રાફીક ન સર્જાય તે અર્થે ધારાસભ્ય જોષીએ મુખ્યમંત્રીને અનેક વિધ ભલામણ કરતો પત્ર પાઠવ્યો
જુનાગઢ ખાતે ગીરનાર રોપ-વે પ્રોજેક્ટ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે લોકોની સુખાકારી માટે સ્થાનિક લોકો તરફથી મળેલ રજુઆતો પર અમલ કરવા જૂનાગઢના જાગૃત ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી, યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરી છે.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જુનાગઢ રોપ-વે બનતા જ ટુરિસ્ટોની સંખ્યામાં થનાર વધારાને ધ્યાનમાં લઇ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે સુદર્શન તળાવ ખાતે બે માળનું પાર્કિંગ બનાવવું અને એ પાર્કિંગ ને ઓવર બ્રીઝ્થી સીધો જ મેઈન રોડ સુધી રસ્તો બનાવવા ભલામણ કરેલ છે.
આ પત્રમાં રોપ-વે બનતા જ એની કેપેસીટી પ્રમાણે દર કલાકે ૮૦૦ વ્યક્તિઓ અંબાજી મંદિર પહોંચશે. અને આશરે ૨૦૦૦ વ્યક્તિઓ અંબાજી મંદિરે ભેગા થવાનો અંદાઝ છે. ત્યારે આટલા ટુરિસ્ટોને યોગ્ય સુવિધા પૂરી પાડી શકાય તે અર્થે ૪ યુરીનલ ને બદલે યોગ્ય પ્રમાણમાં યુરીનલ બનાવવાની કામગીરી હાથ ધરવા. તેમજ અંબાજી પર આવેલ હેલીપેડની જગ્યા હાલ ઉપયોગ વગરની હોય આ જગ્યા ફરતે રેલીંગ નાખી મુસાફરોને વિશ્રામ અર્થે ઉપર ડોમ બનાવી અને આ જગ્યાએ નાનું ફૂડ ઝોન, પીવાના પાણી અને સૌચાલાયની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો આવનાર મુસાફરોની સુવિધામાં વધારો થઇ શકે તેવું સૂચન ભીખાભાઈ જોશી એ કર્યું છે.
ઉપરાંત અંબાજી ખાતે વાયરલેસ ઓફીસ હાલ જર્જરિત હાલતમાં હોય નવી વાયરલેસ ઓફિસનું નિર્માણ કરવાની સાથે, ગુનાહિત પ્રવૃત્તિ પર કંટ્રોલ રાખી શકાય તે માટે પોલીસ ચોકી કાર્યરત કરવા અને યાત્રીકોની આરોગ્યની કાળજી લેવા અર્થે હેલ્થ સેન્ટર શરુ કરવા, તેેેમજ ગીરનાર ઉપર ગૌમુખી ગંગા પાસે વર્ષો જૂની ૨૨ રૂમની ધર્મશાળા હતી, જે હાલ ખુબ જ જર્જરિત હાલતમાં હોય, યાત્રીકોને રોકાવા માટેની સુવિધા અર્થે આ ધર્મશાળાને સરકારી ખર્ચે રીનોવેશન કરાવવાની સાથે ગીરનાર પર્વત પર આવેલ ધાર્મિક જગ્યાઓના મહંત કે પૂજારીઓને રોપ-વે માં કાયમી આવવા-જવા અને જરૂરી સામગ્રી લઈ જવા માટે કાયમી ફ્રી પાસ આપવા ધારાસભ્ય જોશીએ ભલામણ કરી છે.