ભૌતિક સુવિધાઓની સાથે પરિવાર જેવી લાગણીઓનો અનેરો સમન્વય: સાધુ-સંતો, દાતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ
રાજકોટના ઢોલરા ગામ સ્થિત સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દિપચંદભાઈ ગારડી ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ કે જે આજે તેના અવિરત સેવાયાત્રાના ૨૨ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની આ બે દાયકાની સફરની માહિતી આપતા સંસ્થાના સ્થાપકોએ જણાવ્યું છે કે, બરાબર આજથી ૨૨ વર્ષ પહેલા કાંઈક કરી છુટવાની ભાવના સાથે સમાજને અર્પણ કરવાના એકમાત્ર આશયથી ભેગા થયેલા નવયુવાનોએ ધરતીપુત્રોના ઐતિહાસિક ગામ ઢોલરા ખાતે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી. આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ કળીયુગી સંતાનોથી દુભાયેલા, તરછોડાયેલા વડીલ માવતરો તેમજ જેમને સંતાન નથી અથવા તો સંતાનમાં માત્ર પુત્રીઓ છે અને જેમની પાછોતરી જીંદગી નિરાધાર અને નિ:સહાય બને તેમ હતી તેવા માતા-પિતાઓ માટે છેલ્લા ૨૨ વર્ષથી આ વૃદ્ધાશ્રમમાં રહ્યા છે અને દાતાઓની હુંફ અને લાગણી સાથે જીંદગીનો આ સ્વાદ માણી રહ્યા છે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપતા સંસ્થાના સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ અને કિરીટભાઈ આદ્રોજા સહિતના સભ્યોએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારત સહિત દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની છેલ્લા ૨૨ વર્ષમાં છ લાખથી વધુ લોકોએ સહર્ષ મુલાકાત લીધી છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ગુજરાત રાજયના તત્કાલિન મુખ્યમંત્રીઓ, વિવિધ રાજયના ગવર્નરો, સાધુ-સંતો, મહાસતીજીઓ, સાઘ્વીજીઓ અને વિદેશી પર્યટકો સહિતના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. વૃદ્ધાશ્રમના સ્થાપક ટ્રસ્ટીઓમાં મુકેશ દોશી, મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ અને પ્રતાપભાઈ પટેલ સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વડીલ માવતરોની ભાવવંદના સાથે પશુ-પક્ષીઓનું હરતુ ફરતું અન્નક્ષેત્ર કલરવ, ગરીબ, નિરાધાર બાળકો માટે શૈક્ષણિક શિષ્યવૃતિ, થેલેસેમિક બાળકો માટે રકતદાન કેમ્પ, સાયકલ વિતરણ, આનંદ મેળો, પિતાની છત્રછાયા ગુમાવી દીધેલ નિરાધાર અને અનાથ દીકરીઓ માટે લગ્નોત્સવ વહાલુડીના વિવાહનું આયોજન તેમજ ગરીબ વિધવા બહેનોને સિલાઈ મશીન વિતરણ, વિવિધ તહેવારોમાં મીઠાઈ તથા અનાજની કીટનું વિતરણ, ચક્ષુદાન, દેહદાન, મેડિકલ સાધન સહાય તથા જરૂરીયાતમંદ દર્દીઓને આર્થિક સહાય જેવી વિવિધ સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
હાલની મહામારી કોવિડ-૧૯ના સમયે ગરીબ શ્રમિકો માટે રાહત રસોડુ તેમજ રકતદાન કેમ્પ, લોકડાઉનના સમયમાં સાધારણ કુટુંબને અનાજ કીટનું વિતરણ જેવી અનેક પ્રવૃતિઓ અવિરત ચલાવવામાં આવી રહી છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની વિશેષ માહિતી આપતા અશ્ર્વિનભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સુનિલ મહેતા સહિતના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે, ૨૨ વર્ષની સેવાયાત્રા દરમિયાન ઢોલરા સ્થિત માવતરોને હવાઈ અને દરીયાઈ મુસાફરી દ્વારા ભારતભરના તીર્થસ્થાનોની દાતાઓના સહયોગથી જાત્રા કરાવવામાં આવી છે. દીકરાનું ઘરમાં રહીને અવસાન પામેલા માવતરોના મોક્ષાર્થે રાજકોટ અને હરદ્વાર ખાતે બે ભવ્ય ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે.
દીકરાનું ઘરના ૧૭૧થી વધુ કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તમામ પરંપરાગત તહેવારોની નોખી-અનોખી ઉજવણી કરવામાં આવે છે. આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના મહિલા કમિટીના સભ્યોએ વધુમાં જણાવ્યું છે કે, સંસ્થામાં રહેતા મોટાભાગના માવતરોને તંત્રના સહયોગથી મા અમૃતમ કાર્ડથી તેમજ સરકાર દ્વારા મળતા માસિક પેન્શનથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન તમામ માવતરોની લગભગ ૫થી વધુ વખત આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. સંસ્થાના સંસ્થાપક મુકેશ દોશી, હરેન મહેતા તથા ધર્મેશ જીવાણીએ જણાવ્યું છે કે, દીકરાનું ઘર ૨૪ કલાક મુલાાતીઓ માટે ખુલ્લે રહે છે. સંસ્થાની મુલાકાતે હજુ સુધી કોઈ ન આવી શકયું હોય તેને જાહેર નિમંત્રણ છે. આ માટે સંસ્થાના મુકેશ દોશી મો.૯૮૨૫૦ ૭૭૭૨૫, સુનિલ વોરા મો.૯૮૨૫૨ ૧૭૩૨૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.