એસ.ઓ.જી.એ દરોડા પાડી બે હથિયાર અને ૪૧ કાર્ટીસ કબ્જે કર્યા
જૂનાગઢમાથી બે શખ્સોને દેશી હાથ બનાવટની એક પિસ્તોલ તથા એક રીવોલ્વર અને જીવતા ૪૧ કાર્ટીસ સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ દબોચી લઇ ગંભીર ગુન્હો બનતો અટકાવ્યો હતો, આ બંને શખ્સોને પ્રાણ ઘાતક હથિયારો આપનાર ત્રણ શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એચ.આઇ. ભાટી તથા પો.સબ ઇન્સ. જે.એમ.વાળા તથા એસ.ઓ.જી. સ્ટાફને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, બે ઇસમો ગેર કાયદેસર હથીયારો રાખી, જયુપીટર બાઈકમાં ખામધ્રોળ ચોકડી થી હર્ષદનગર તરફ જવાના છે અને તે આ હથિયાર સાથે શરીર સબંધી કોઇ ગંભીર ગુન્હો કરવાના ઇરાદે જઇ રહેલ છે, આ ચોક્ક્સ બાતમી આધારે નવી આર.ટી.ઓ કચેરી પાસે એસ.ઓ.જી. ટીમ વોચમાં ગોઠવાઈ હતી , તે દરમ્યાન હકિકત વાળી બાઇકમાં બે ઇસમો આવતા તેમને રોકી બન્ને ઇસમો અંગજડતી લેતા, દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ તથા રીવોલ્વર-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૪૧ મળી આવતા આ પ્રાણઘાતક મુદ્દામાલ હસ્તગત કરી, જમાલભાઇ સીદીકભાઇ કુરેશી (ઉ.વ ૩૫) તથા મોઇન ઉર્ફે બાઠીયો લતીફભાઇ પરમાર (ઉ.વ ૪૨) ને પકડી પાડી, હથિયાર ધારા હેઠળ કાર્યવાહી કરવા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ દેશી હાથ બનાવટની પિસ્તોલ, દેશી હાથ બનાવટની ગોલ્ડન કલરની રીવોલ્વર અને જીવતાં કાર્ટીસ સુરેન્દરનગરના મુન્નાભાઇ હુશેનભાઇ, જૂનાગઢના અમીત બારોટ તથા વંથલીના ધણફુલીયાના જ હમીદશા રફાઇ પાસેથી મેળવ્યા હોવાનુ ખુલતા ત્રણેય શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.