જે તેલ મલેશિયાને દરિયામાં ફેંકી દેવું પડે છે.. એ જ તેલના કારણે દરિયામાં માછલાં મરી જાય છે એવા ઝેરી પામતેલની ભારતમાં અયાત કરીને દેશવાસીઓના જીવન સાથે ચેડાં થઇ રહ્યા છે! પામતેલ એવું તેલ છે જે મફતમાં મળે તો પણ ન ખવાય..! સસ્તું મળે તો શું ઝેર પિવાનુ? વગેરે વગેરે.
વર્ષ ૨૦૧૨ માં આગ્રામાં દૈશનાં આશરે ૫૦૦ જેટલા નામી ગરામી સરસવના તેલનાં ઉત્પાદકોની કોન્ફરન્સમાં વારાફરતી સ્ટેજ ઉપર આવીને સૌ પોતાના પ્રવચનમાં ઉપરોક્ત વિધાનો કરતા હતા અને ભારતમાં પામતેલની આયાત પર પ્રતિબંધ મુકવાની હિમાયત કરતા હતા. લગભગ બે કલાકનાં પ્રવચનો બાદ એક ઉદ્યોગપતિ બોલવા આવ્યા અને એમણે પ્રવચનનાં પ્રારંભે સીધો સવાલ કર્યો કે જો ભારતમાં પામતેલની આયાત બંધ કરીએ તો અત્રે ઉપસ્થિત મહાનુભાવોમાંથી કેટલાનાં સરસવ પ્રોસેસિંગ પ્લાન્ટ ચાલુ રહી શકશે..? અને સભામાં સોપો પડી ગયો હતો..!
ભારતીય ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીનું કડવું સત્ય છે કે તેલ મિલરો ભાવની પડતર કરવા માટે સિંગતેલમાં તથા સરસવના તેલમાં પામતેલનું મિશ્રણ કરતા હોય છે. અને તેમાં એસેન્સ ભેળવીને જે તે તેલની સુગંધ તૈયાર કરી દેતા હોય છે. કારણ કે પરંપરાગત રીતે જોવા મળ્યું છે કે અતિ શુધ્ધ તેલ બનાવવા માટે જો પામતેલની મિલાવટ ન કરાય તો તેના ભાવ એટલા ઉંચા જાય છે કે ઉપભોક્તાની ખરીદી ઘટી જાય છે.
જેના કારણે ઉત્પાદકનું પ્રોડક્શન ઘટતાં તેની પડતર થતી નથી. વળી સામાન્ય સંજોગોમાં સિંગતેલમાં કે સરસવના તેલમાં પામતેલ ભેળવેલું છે કે કેમ તે નક્કી પણ કરી શકાતું નથી.
આ મુદ્દો એટલે ઉછળ્યો છે કારણ કે હવે એકતરફ ગુજરાતમાં નવી મગફળીની આવકો શરૂ થશે અને નવા સિંગતેલની સિઝન શરૂ થશે. તો બીજીતરફ એફ.એસ. એસ. એ. આઇ. સંસ્થાએ આગામી ૧ લી ઓક્ટોબરથી સરસવનાં તેલમાં પામતેલ સહિતનાં અન્ય વનસ્પતિ તેલની મિલાવટ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. અત્યાર સુધી તેલ કંપનીઓને સરસવના તેલમાં ૨૦ ટકા સુધીના અન્ય તેલ મિક્સ કરવાની પરવાનગી હતી. તો પછી હાલમાં અચાનક આ પ્રતિબંધ શા માટે? અને સરસવની જેમ સિંગતેલમાં પણ મિક્સીંગ થતું હોય તો તેમાં આવો પ્રતિબંધ કેમ નહીં?
છેલ્લા એક વર્ષમાં ખાદ્ય સુરક્ષા વિભાગે સરસવનું તેલ ખાતા રાજ્યોમાં સર્વે કરીને તારણ કાઢ્યું કે બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ કોઇપણ સરસવનાં તેલમાં આવા માપદંડો જળવાતા નથી. અધુરામાં પુરૂં હાલમાં સરસવના ભાવ વિક્રમી સપાટીએ છૈ. હજુ નવો પાક આવવાને છ મહિના લાગશૈ. તેથી ઉત્પાદકો સસ્તા તેલની મિલાવટ કરવા લલચાશૈ ઐ તર્કને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવાયો હોય તે સ્વાભાવિક છે.
દેશની ખાદ્યતેલોના કુલ ઉત્પાદનમાં ૪૦ ટકા જેટલો હિસ્સો સરસવના તેલનો છે. દેશમાં સરસવના તેલની કુલ ખપત વાર્ષિક આશરે ૨૩ લાખ ટનની ગણીઐ અને દર વર્ષે પાંચ ટકાના દરે તેનો વપરાશ વધતો હોવાની ગણતરી કરીએ તો આ તેલ ભારતીય નાગરિકોનું અભિન્ન્ અંગ ગણી શકાય. આવા સંજોગોમાં અગામી દિવસોમાં જનતાને અજાણતા પણ હલકી ગુણવત્તા વાળું તેલ ખાવું ન પડે તેની સાવચેતી માટે સરકારે આ પગલાં લીધા હોય.
હવે સરસવનું તેલ સમગ્ર ઉત્તર મધ્ય તથા પૂર્વ ભારતમાં રોજીંદા વપરાશમાં ખવાય છે. જ્યારે સિંગતેલનો મહત્તમ વપરાશ માત્ર ગુજરાતમાં છે. વળી આ વખતે મગફળીનો પાક પણ વધારે છે. હવે જો મગફળી બહુ સસ્તી હોય તો ભાવ નીચા રહેવાના કારણે પરવડે તેવા ભાવે વધારે સારી ગુણવત્તા વાળું તેલ વેચાય છે. ચારેક વર્ષ પહેલા પણ મગફળીનાં બમ્પર ઉત્પાદન વખતે મિલરોએ સિંગતેલનાં ભાવ ફિક્સ કરી નાખ્યા હતા અને સિંગતેલમાં પામતેલનું મિક્સીંગ ઘટી ગયું હતું. એ વખતે મગફળી ભલે પાણીનાં ભાવે વેચાઇ પણ સિંગતેલ એક સ્તરથી નીચે ગયુ નહોતું. પરંતુ ગ્રાહકોને તેલ સારી ગુણવત્તા વાળું મળ્યું હતું. ખાસ વાત તો એ છે કે જે આજે નથી તે કાલે નહીં જ હોય એવું થોડું છે..? હાલમાં સરસવના તેલની ગુણવત્તા ઉપર નિયંત્રણો આવ્યા તેના અનુભવના આધારે સિંગતેલ ઉપર પણ આવી શકે છે.