ગોંડલ શહેરના યોગીનગર વિસ્તારમાં રહેતા અને જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા સોની પરિવારના વૃદ્ધ દંપતીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક જ સપ્તાહમાં બંનેના મોત નિપજતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. પરિવાર મજબૂર એ હતો કે વૃદ્ધ માતા હોસ્પિટલમાં હોય અને પિતાનું નિધન થતા સગા સ્નેહીઓ ને અવસાન ની જાણ પણ કરી શક્યા ન હતા.
ગોંડલ શહેર પંથકમાં કોરોના વિકરાળ બની રહ્યો છે ટપોટપ લોકોના જીવ લઈ રહ્યો છે ત્યારે અત્રેના યોગીનગરમાં રહેતા સોની પરિવાર સાથે બનેલી ઘટના કાળજુ કંપાવી ઊઠે તેવી છે જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા જયંતીલાલ માંડલિયા અને તેના પત્ની વસુમતીબેન પંદર દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં એડમિટ થવા પામ્યા હતા દરમિયાન જયંતીલાલ નું નિધન થતાં પરિવાર શોકાતુર બન્યો હતો સાથોસાથ એવો મજબૂર થયો કે પિતાના નિધનની અન્ય કોઇને જાણ પણ કરી શકતા ન હતા કારણ કે તેના માતા પણ હોસ્પિટલમાં પથારી પર હતા જો જયંતીલાલ ના મોતની જાણ તેઓને થાય તો તેઓ ગહેરો આઘાત જીરવી શકે તેમ ન હતા પરંતુ કુદરત કઠોર બન્યો હોય ત્યાં કોઈનું કેમ ચાલે માત્ર આઠમા દિવસે પતિના વાટે વસુમતી બેન પણ ચાલી નીકળતા પરિવારે એક સપ્તાહમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.
વૃદ્ધ દંપતીના પુત્ર પરેશભાઈએ ભીની આંખે જણાવ્યું હતું કે ખરેખર હોસ્પિટલમાં એકલતાના કારણે વૃદ્ધો મોતને ભેટી રહ્યા છે જો દિવસ દરમિયાન માત્ર પંદર મિનિટ કે અડધો કલાક પીપી કીટ પહેરીને જો દર્દીને મળવા દેવામાં આવે તો સો ટકા મને વિશ્વાસ છે કે વૃદ્ધ મોતના મુખમાં ધકેલાતા અટકી શકે મારી સરકારને વિનંતી છે કે ખરેખર વૃદ્ધ દર્દીઓને મળવાનો સમય આપવો જોઈએ